ચાંદીમાં રોકાણનું આકર્ષણ ઓસરતાં આ મહિને ભાવ 25 ટકા તૂટ્યા

ચાંદીમાં રોકાણનું આકર્ષણ ઓસરતાં આ મહિને ભાવ 25 ટકા તૂટ્યા
ઈટીએફમાં પણ છ વર્ષમાં સૌથી વધુ વેચાણ થયું  
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ તા. 29 સપ્ટે. 
સોનું ગત સપ્તાહે 4.6 ટકા તૂટ્યું. સામે ચાંદીએ 15 ટકાનો ભૂસકો માર્યો. માર્ચમાં કોરોના મહામારીનો ભય જગતમાં ચિંતાનો વિષય બન્યા પછી સોના-ચાંદીમાં આ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો. હવે પછી માગની જે અછત સર્જાશે તેની વેચવાલીનું દબાણ આવવાનું બાકી છે, જે નવાં તળિયાં શોધશે.  
ચાંદીમાં રોકાણ માટેનું આકર્ષણ ઘટવાથી સપ્ટેમ્બરમાં છેલ્લાં નવ વર્ષમાં માસિક ધોરણે ભાવ સૌથી વધુ ઘટ્યા હતા. ચાંદી સપ્ટેમ્બરમાં 25 ટકાના ઘટાડા તરફ જઈ રહી છે. મે 2011માં સોનું અને શેરબજાર તળિયે ગયા હતા અને ડોલર મજબૂત થયો હતો એવું જ આ મહિને બની રહ્યું છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાંથી પણ માસિક ધોરણે છ વર્ષમાં સૌથી વધુ ચાંદીનું વેચાણ જોવા મળ્યું છે.  
જો સોનું વધુ નીચે જાય અને આર્થિક સંયોગો વધુ ધૂંધળા બને તો પણ ચાંદી માટે ઔદ્યોગિક ધાતુ તરીકે ઉપર જવાનો માર્ગ ખુલ્લો રહેશે. ગયા શુક્રવારે ડિસેમ્બર કોમેકસ ચાંદી ઘટીને પ્રતિ ઔંસ (31.1035 ગ્રામ) 22.98 ડોલર મુકાઈ હતી. બંને કિંમતી ધાતુઓમાં એકતરફી સળંગ તેજી જળવાઈ શકી ન હતી. ડોલર એક જ સપ્તાહમાં ઝડપભેર મજબૂત થયો હતો, જે છેલ્લા છ મહિનામાં પહેલી વખત બન્યું હતું. તે જોઈને તેજીવાળાઓ માટે લેણ ખંખેરવું જરૂરી બની ગયું હતું. 
અમેરિકન ફેડરલ રિઝર્વના અનેક અધિકારીઓએ કહ્યું હતું કે સેન્ટ્રલ બેંક એકલી કંઈ બજારને ટકાવી ન શકે; અર્થતંત્ર તો જ ફાલેફૂલે જો તેમાં વાજબી નાણાપ્રવાહ વહેવડાવવામાં આવે. ચલણોના વિનિમય દરોમાં થઇ રહેલી ઉથલપાથલનું પ્રતાબિંબ મોડે મોડે સોના-ચાંદીની મંદીમાં જોવા મળ્યું છે. અમેરિકન ચૂંટણીમાં અનિશ્ચિતતા વધે તો સોના-ચાંદીનો હાલનો ઘટાડો ઝાઝું ટકશે નહિ.  
હવે અમેરિકામાં કોઈ રાહત પેકેજ આવનારું નથી. હવે પછી અમેરિકન ચૂંટણીમાં એવાએવા દાવાઓ થશે જે આખા જગતમાં વિવાદ ભડકાવશે. તેનો પ્રભાવ અમેરિકાની ચૂંટણીનાં પરિણામો પર પાડવા સંભવ છે. ગત સપ્તાહે જ પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે નવેમ્બર ચૂંટણી પરિણામ કદાચ સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનો વારો આવશે. ઉક્ત તમામ ઘટનાઓ સટોડિયાઓ અને રોકાણકારોને સલામતીના સ્વર્ગ તરીકે સોના-ચાંદી અને અમેરિકન ટ્રેઝરી બોન્ડ ખરીદવા ખેંચશે.  
બજારના અનુભવી નિરીક્ષકો હજુ પણ દ્રઢપણે માને છે કે અમેરિકન ડોલરની જ આખરે જીત થશે, તેને પગલે સોનાચાંદી અને ટ્રેઝરી બોન્ડમાં પીછેહઠ થશે. અત્યારે 10 વર્ષનાં અમેરિકન બોન્ડ 0.67 ટકાના વળતરે વેચાય છે. તેજીવાળા માટે હવે પછીનો લક્ષ્યાંક ગત ગુરુવારના ભાવ 24.62 ડોલરનો રહેશે, જયારે મંદીવાળા 20 ડોલરના તળિયાને તોડવા પ્રયાસ કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer