કોરોના છતાં ચાના વપરાશ અને ભાવમાં સુધારો

કોરોના છતાં ચાના વપરાશ અને ભાવમાં સુધારો
નવી દિલ્હી, તા. 29 સપ્ટે. 
કોરોના મહામારીને લીધે માગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાવા છતાં ચાના વપરાશ અને ભાવમાં વધારો થયો છે.  
જથ્થાબંધ ચાનું ઉત્પાદન કરતી ખાસ કરીને ઉત્તર ભારતની કંપનીઓએ અત્યાર સુધીની શ્રેષ્ઠ કામગીરી રજૂ કરી છે, એમ રાટિંગ એજન્સી ઇક્રાએ જણાવ્યું છે. `જો સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન કઈં અણધાર્યું ન બને તો આ વર્ષે ચાના ઉત્પાદનમાં 12 ટકાનો ઘટાડો થવાનો અમારો અંદાજ છે,` એમ ઇક્રાના ઉપપ્રમુખ કૌશિક દાસે જણાવ્યું હતું. ચાના ઉત્પાદનમાં ઉત્તર ભારતમાં 12 ટકાનો અને દક્ષિણ  ભારતમાં એક ટકાનો ઘટાડો થશે, એમ તેમણે ઉમેર્યું હતું.  
દાસે કહ્યું કે ઉત્પાદન ઓછું થવાથી ઉત્તર ભારતની કંપનીના પડતર ખર્ચમાં કિલો દીઠ રૂ. 25-30નો વધારો થશે.મજૂરીના દર અત્યાર કરતાં ઊંચા જાય તો પડતર વધુ મોંઘી થશે.  
આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં દેશના ચાના ઉત્પાદનમાં વર્ષાનુવર્ષ 22 ટકાનો ઘટાડો થયો હતો. ઉત્તરનાં રાજ્યોમાં 26 ટકા અને દક્ષિણનાં રાજ્યોમાં ઉત્પાદન ત્રણ ટકા ઘટ્યું હતું. લોકડાઉનના પ્રારંભના મહિનાઓમાં --માર્ચ, એપ્રિલ અમે મે મહિનામાં --કોરોનાને નાથવા બગીચાઓના કામકાજ પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં હોવાથી ચાના ઉત્પાદનને અસર થઇ હતી. ત્યાર બાદ જૂન અને જુલાઈ માં આસામમાં પૂર અને પ્રતિકૂળ હવામાનથી ચાના પાકને નુકસાન થયું હતું. પ્રતિકૂળ હવામાનની અસર અમુક અંશે ઓગષ્ટમાં પણ ચાલુ રહી હોવાનું બગીચાવાળાઓ કહે છે.  
જો કે ઉત્પાદન ખર્ચમાં થનારા 13-15 ટકાના વધારા સામે ચાના ભાવમાં ઘણો તીવ્ર વધારો થયો છે. એપ્રિલ-ઓગષ્ટ દરમિયાન પુરવઠાની ખેંચ પેદા થવાથી ચાના લીલામના ભાવમાં ઉત્તર ભારતમાં 58 ટકાનો અને દક્ષિણ ભારતમાં 25 ટકાનો ઉછાળો આવ્યો હતો.   
પ્રારંભમાં ઉદ્યોગને એવો ભય હતો કે લોકડાઉનને કારણે ચાના વપરાશમાં ઘટાડો થશે. પરંતુ વિતરકો સાથેની વાતચીતમાં જણાયું કે ચાના ઘરગથ્થુ વપરાશમાં વધારો થવાથી ઘરબહારના વપરાશમાં થયેલો ઘટાડો સરભર થઇ ગયો હતો.  
ઉત્તર ભારતમાં ઓર્થોડોક્સ ચાના ભાવ એક વર્ષ પહેલાની સરખામણીમાં આજે કિલો દીઠ રૂ. 50 (20 ટકા વધારે છે), જયારે દક્ષિણ ભારતમાં સીટીસી (ક્રશ, ટેર, કર્લ) ચાના ભાવ વાર્ષિક ધોરણે કિલો દીઠ રૂ. 80 ઊંચા છે. એપ્રિલથી ઓગષ્ટ સુધીમાં ચાના સરેરાશ ભાવમાં   કિલો રૂ. 26 (26 ટકા) નો વધારો થયો છે.  
ચાના હાલના ભાવ ઐતિહાસિક ધોરણે ઘણા ઊંચા છે, પણ આગળ ઉપર દબાવાની શક્યતા દાસે જણાવી હતી. `અમારા મતે 2020-21માં ઉત્તર ભારતમાં સીટીસી ચાના ભાવ કિલો દીઠ રૂ. 65 અને ઓર્થોડૉઝ ચાના ભાવ કિલો દીઠ રૂ. 50 જેટલા વધશે.`   
કેટલાંક વર્ષોથી પડતર ખર્ચમાં વધારો અને સ્થગિત બજારભાવનો સામનો કરી રહેલા ચા ઉદ્યોગને હાલના ભાવવધારાથી થોડી રાહત મળશે એ નક્કી છે, પારજો કે આ વવધારો કેટલો ટકશે એ કહી ન શકાય,` એમ દાસે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer