ખસખસની આયાતની પરવાનગી એપ્રિલ પહેલાં નહીં અપાય

ખસખસની આયાતની પરવાનગી એપ્રિલ પહેલાં નહીં અપાય
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 29 સપ્ટે.  
ખસખસની આયાત આગામી એપ્રિલ પહેલાં શરુ થવાની શક્યતા જણાતી નથી. ખસખસના ભારતીય આયાતકારો તુર્કીના વેચાણકારો પાસે ખરીદી માટે આગોતરા ઓર્ડર નોંધાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. સરકાર ખસખસની ખરીદી માટે પરમીટ આપે તે પછી જો વેપારીઓ ખરીદી કરે તો તેમને માલ મળે નહિ. પરમીટમાં ખરીદી માટેની 30-45 દિવસની જે સમયમર્યાદા હોય છે તે ખસખસને સાફ કરીને પેકીંગમાં ભરીને પરદેશ રવાના કરવા માટે અપૂરતી છે. તેથી આયાતકારો સરકારની મંજૂરી મળે તે પહેલાં જ ઓર્ડર નોંધાવી દેતા હોય છે.   
તુર્કી ભારતમાં આ  વર્ષે જૂનો અને નવો પાક મળીને લગભગ 18000 ટન સફેદ ખસખસની નિકાસ કરી શકાશે એમ તુર્કીના ટીએમઓ વિભાગે જણાવ્યું હોવાનું અહીંના વેપારીઓ કહે છે. દરમિયાન ભારતના આયાતકારો ખસખસની આયાતનીતિ શું હશે, આયાત ક્યારે શરૂ થયો અને કેટલી આયાતની પરવાનગી અપાશે તે જાણ્યા વિના જ સતત ખરીદી કરી રહ્યા છે. તુર્કીમાં પણ આ વર્ષે ખસખસના ભાવ ગયા વર્ષ કરતાં ઊંચા રહ્યાં છે.
તુર્કીના નિકાસકારો જે રીતે ખસખસનું વેચાણ કરી રહ્યાં છે તે જોતાં વિપુલ પ્રમાણમાં ખસખસની આયાત થઈ શકે છે. પરિણામે નિકાસકારો ભાવને કેટલે ઊંચે ખેંચી જશે તેનો અત્યારે અંદાજ આવતો નથી.  
ભારતીય આયાતકારોનું દૃઢપણે માનવું છે કે  જાન્યુઆરી 2021માં તુર્કી ખસખસની આયાત પરમીટ આપવાનું શરૂ થઈ શકે છે. હાલની કોવિડ-19ની મહામારી અને ભારત તથા તુર્કીના સંઘર્ષ ઉપરાંત સ્થાનિક પાક ઠેકાણે પડી જાય તે પહેલાં સરકાર આયાતની પરમીટ નહીં આપે તેવું જાણકારોનું કહેવું છે. 
આ સંજોગોમાં ખસખસની નવી આયાત અૉગષ્ટ-સપ્ટેમ્બર 2021 અગાઉ થશે નહિ. તેથી ખસખસના બધા જ ખરીદદારો અને વેપારીઓએ ફરજિયાત ભારતમાં માર્ચ 2021માં આવનાર નવા પાક પર અધાર રાખવો પડશે. અત્યારે ખસખસના ભાવ કિલોએ રૂા. 1000ની આસપાસ ચાલી રહ્યા છે. તેનાથી નીચે જવાની શક્યતા જણાતી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer