એમેઝોને તહેવારોના દિવસો અગાઉ ભારતમાં રૂ.1,125 કરોડ નું રોકાણ કર્યું

એમેઝોને તહેવારોના દિવસો અગાઉ ભારતમાં રૂ.1,125 કરોડ નું રોકાણ કર્યું
ફ્લિપકાર્ટ અને જિઓ માર્ટ સામે હરીફાઈ કરવા કંપની સજ્જ બની રહી છે 
નવી દિલ્હી, તા. 29 સપ્ટે
અમેરિકાની ઈ-કોમર્સ કંપની એમેઝોને તેના ભારતીય એકમ એમેઝોન સેલર સર્વિસીસમાં રૂ. 1,125 કરોડની નવી મૂડી નાખી છે. 
તહેવારોના દિવસો નજીક છે ત્યારે આ નાણા એમેઝોનને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ અને મુકેશ અંબાણીની  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના  જીઓ માર્ટ સામે આક્રમક? હરીફાઈ કરવા માટે સજ્જ કરશે એમ સૂત્રોએ કહ્યું હતું.  
એમેઝોનની બે કંપનીઓ એમેઝોન કોર્પોરેટ હોલ્ડિગ્સ પ્રાઇવેટ લિમિટેડ સિંગાપોર અને એમેઝોન ડોટ કોમ ઇન્ક લિમિટેડ મોરિશિયસ દ્વારા રૂ. 1,125 કરોડ એમેઝોન સેલર સર્વિસીસને આપવામાં આવ્યા છે. 
તેની સામે એમેઝોન સેલર સર્વિસીસે 17 સપ્ટેમ્બરે આ બે કંપનીઓને ઇકવીટી શેર જારી કર્યા હતા. 
જૂન મહિનામાં એમેઝોને એમેઝોન સેલર સર્વિસીસમાં રૂ. 2,310 કરોડ નાખ્યા હતા. આ વર્ષના જાન્યુઆરીમાં એમેઝોનના સ્થાપક જેફ બેઝોઝે જાહેર કર્યું હતું કે તે ભારતમાં નાના અને મધ્યમ બિઝનેસને મદદ કરવા માટે એક અબજ ડોલર (રૂ. 7,000 કરોડથી વધારે) નું રોકાણ કરશે.   
તે અગાઉ કંપનીએ ભારતમાં 5.5 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. એમેઝોન માટે અમેરિકાની બહાર ભારત મહત્વનું બજાર છે. 
એમેઝોનના હરીફ ફ્લિપકાર્ટે જુલાઈમાં તેની માલિક કંપની વોલમાર્ટ પાસેથી 1.2 અબજ ડોલર મેળવવાની જાહેરાત કરી હતી. આ હિસાબે ફ્લિપ્કાર્ટનું મૂલ્યાંકન 24.9 અબજ ડોલર થાય છે. 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ તહેવારોની મોસમ માટે તૈયારી કરી રહી છે. તેણે ફ્યુચર જૂથના રિટેલ, હોલસેલ, લોજાસ્ટિક્સ અને વેરહાઉસિંગ એકમો ગયા મહિને રૂ. 24,713  કરોડમાં ખરીદવાની ખરીદવાની જાહેરાત કરી હતી. 
આ મહિનાની શરૂઆતમાં રિલાયન્સના રિટેલ એકમ રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડે કહ્યું હતું કે અમેરિકાની પ્રાઇવેટ ઇકવીટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સ તેમાં 1.75 ટકા હિસ્સો ખરીદશે અને એ માટે રૂ. 7,500 કરોડ ચુકવશે. 
રિલાયન્સ રિટેલની નેટવર્કમાં સુપરમાર્કેટ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સ્ટોર, કેશ એન્ડ કેરી હોલસેલ બિઝનેસ, ફાસ્ટ ફેશન આઉટલેટ, અને ઓન-લાઈન ગ્રોસરી સ્ટોર જીઓ માર્ટનો સમાવેશ થાય છે. લગભગ 7,000 શહેરોમાં બધું મળીને તેના 12,000 સ્ટોર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer