ટેકાની ખરીદીની રાહ જોયા વિના ખેડૂતો મગફળી વેચવા લાગ્યા

ટેકાની ખરીદીની રાહ જોયા વિના ખેડૂતો મગફળી વેચવા લાગ્યા
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે એક લાખ ગુણી કરતાં વધારે આવક 
નિલય ઉપાધ્યાય 
રાજકોટ, તા. 29 સપ્ટે. 
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મગફળીની સીઝન બરાબર જામી છે. માર્કેટ યાર્ડોમાં બે દિવસથી એક લાખ ગુણી કરતા વધારે  પુરવઠો ઠલવાઇ રહ્યો છે. સોમવારે 1 લાખ ગુણી આવ્યા પછી મંગળવારે ગુજરાતના માર્કેટ યાર્ડોમાં 1.05 લાખ ગુણી આવક નોંધાઇ હતી. કોરોના કાળમાં સરકારી ખરીદીની રાહ જોયા વિના ખેડૂતો ફટાફટ માલ વેંચવા લાગ્યા છે. સરકારી ખરીદી 21 ઓક્ટોબરથી શરું થવાની છે પણ ખેડૂતો નાણાં રોકડાં કરવા માટે વેંચી રહ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો જંગી જથ્થો આવી રહ્યો છે. બે દિવસથી 40-50 હજાર ગુણીની આવક થતા માલ પડતર રહી જાય છે. 
વેપારીઓ કહે છે, ખેડૂતો નવો માલ વેંચવા બેબાકળા થયા હોવાથી બરાબર સૂકવ્યા વિના લાવી રહ્યા છે. પરિણામે મોટાંભાગની મગફળી ભેજવાળી આવી રહી છે એટલે ખરીદનાર વેપારીઓ મળતા નથી. પરિણામે માલ પડતર રહે છે.  
વરસાદ અટક્યો તેને હજુ ચારથી પાંચ દિવસ થયા છે ત્યાં ખેડૂતો મગફળી બરાબર સૂકવ્યા વિના જ લાવવા માંડ્યા છે. પરિણામે નબળી ગુણવત્તાના અર્થાત હવાવાળા માલ વધારે આવી રહ્યા છે. એ કારણે ભાવ પર અસર પડી છે. હલકી મગફળીનો ભાવ ઘટીને મણે રુ. 600 -650 સુધી આવી ગયો છે. ભેજવાળી મોટાંભાગની મગફળી રુ. 800-850માં વેચાય છે. જ્યારે સારી સૂકી મગફળીના રુ. 950-1040 સુધીના ભાવ ખેડૂતોને પ્રાપ્ત થઇ રહ્યા છે.  
ગોંડલ યાર્ડમાં સોમવારે 50-52 હજાર ગુણી અને મંગળવારે 40-42 હજાર ગુણીની આવક થઇ હતી. ગઇકાલે પણ માલ પડતર હતો. આજે પણ ન વેંચાતા 30 હજાર ગુણીનો પુરવઠો જમા થઇ ગયો હોવાનું યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળાએ જણાવ્યું હતુ.  તેમણે કહ્યું કે, ભીના માલની ખપત નથી. ખેડૂતો ચાર પાંચ દિવસ માલ સૂકવીને લાવે તો તેનું વેચાણ પણ ઉંચા ભાવથી થઇ જશે.  
રાજકોટ માર્કેટ યાર્ડમાં ભેજવાળી મગફળી આવી રહી હોવાથી પાંચ દિવસ પૂર્વે આવક વેપારીઓએ બંધ કરાવી દીધી હતી. સોમવારે 15 હજાર ગુણી અને મંગળવારે 12 હજાર ગુણી આવી હતી. યાર્ડમાં મગફળીનો ભાવ રુ. 733-1005 વચ્ચે હતો. 
રાજકોટ સિવાય હળવદમાં 8 હજાર ગુણી, કોડીનારમાં 2, મહુવા, વીસાવદર,જૂનાગઢ, જામજોધપુર, જેતપુર  અને સાવરકુંડલામાં 2.5 તથા કાલાવડમાં 4.5 હજાર ગુણીની આવક થઇ હતી. ઉત્તર ગુજરાતમાં હિંમતનગર ખાતે વેપારી અંદાજ પ્રમાણે 20 હજાર ગુણી, ઇડરમાં 5 અને ડિસામાં 4 હજાર ગુણી આવક હતી.
મગફળીના પાકનો 35થી 40 લાખ ટનનો અંદાજ 
મગફળીનું ઉત્પાદન ચાલુ વર્ષે સમયસર વરસાદ અને અનુકૂળ આબોહવાને લીધે 35થી 40 લાખ ટન જેટલું રેકોર્ડબ્રેક થવાનો અંદાજ છે. અતિવૃષ્ટિથી બગાડ છતાં પણ પાક ઉત્પાદન ઉંચું રહેતા ખેડૂતો ભાવ ગબડી પડવાના ભયે વેંચી રહ્યા છે. સરકારી ખરીદીની રાહ જોવા પણ રાજી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer