સરકાર એલઆઈસીના 25 ટકા શૅર વેચવા કેબિનેટની મંજૂરી માગશે

સરકાર એલઆઈસીના 25 ટકા શૅર વેચવા કેબિનેટની મંજૂરી માગશે
આઈપીઓનો સમય બજારની હાલત પર નિર્ભર
નવી દિલ્હી, તા. 29 સપ્ટે
 વધી રહેલી અંદાજપત્રીય ખાધને પહોંચી વળવાના પ્રયાસમાં સરકાર લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) ના 25 ટકા શૅર વેચવા માગે છે અને એ માટે કેબિનેટની મંજૂરી લેવાની તૈયારી થઈ રહી છે, એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. 
અત્યારે સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની માલિકીની એલઆઈસીનો આઈપીઓ કરવા માટે કાયદામાં  સુધારો જરૂરી  છે. આઈપીઓ ક્યારે થશે એ નક્કી નથી અને બજારની હાલત પર આધાર રાખે  છે. કદાચ એક વખતમાં નહિ પણ ટુકડે ટુકડે આ કામ થાય એવી શક્યતા પણ સૂત્રોએ બતાવી હતી.
કોરોના મહામારીને લીધે વિકાસ અટકી ગયો છે અને ફિસ્કલ ડેફિસિટ 2020-21ના 3.5 ટકાના લક્ષ્યાંકથી વધી જવાનું જોખમ છે ત્યારે એલઆઈસીના શૅર વેચવાથી સરકારની નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે. એપ્રિલથી શરૂ થયેલા નાણાકીય વર્ષમાં રૂા. 2.1 લાખ કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં સરકારે 57 અબજ રૂપિયાની એસેટ્સ વેચી છે. 
એલઆઈસીના આઈપીઓ માટે સરકારે ડેલોઈટ અને એસબીઆઈ કેપિટલ માર્કેટની પસંદગી કરી હોવાના સમાચાર ગયા મહિને એક એજન્સીએ આપ્યા હતા. આ સલાહકારો દેશની સૌથી મોટી વીમા કંપનીનું મૂડી માળખું ચકાસશે. તેમ જ તેના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને નવી રીતે રજુ કરશે.  
આ માટે સરકાર એલઆઈસીના કાયદામાં ફેરફાર કરશે અને 20 અબજ શૅર સાથે તેની અૉથોરાઈઝડ કેપિટલ રૂા. 200 અબજ કરશે, એમ જાણવા મળ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer