દિવાળીએ વતન જતા રત્નકલાકારો પાસેથી સિંગલ ભાડું વસૂલવા માગ

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 16 ઓક્ટો. 
હીરાઉદ્યોગમાં આ વર્ષે પાંચેક દિવસનું દિવાળી વેકેશન પડવાનું છે. પરંતુ, દર વર્ષે દિવાળી દરમ્યાન સુરતથી વતન જતા હીરાઉદ્યોગના કારીગરો અને તેના પરિવારે સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે બમણું ભાડું ચૂકવવું પડે છે. હીરાઉદ્યોગના સંગઠન સુરત ડાયમંડ એસોસીએશને દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર જતા હીરાઉદ્યોગના કારીગરો અને તેના પરિવાર પાસે સિંગલ ભાડું વસૂલવાની માગ સરકારમાં કરી છે.  
અગાઉના વર્ષોમાં સંગઠને માગ કરી હતી ત્યારે સરકારે રજૂઆતને સ્વીકારી હતી. આ વર્ષે પણ એસટી વિભાગ સિંગલ ભાડાની માગ સ્વીકારેતેવી રજૂઆત સુરત ડાયમંડ એસોસીએશનનાં પ્રમુખ નાનુભાઇ વેકરિયા, પૂર્વ પ્રમુખ બાબુભાઇ ગુજરાતી અને સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ બાલુભાઇ વેકરિયાએ કરી છે.  
ચાલુ માસથી હીરાઉદ્યોગમાં કામકાજ નીકળતા મોટાભાગના હીરાના કારખાનેદારો એકવીસ દિવસના બદલે પાંચથી સાત દિવસનું વેકેશન રાખવાના મૂડમાં છે. જેના કારણે આ વખતે દર વર્ષની જેમ મોટી સંખ્યામાં હીરાના કારીગરો પરિવાર સાથે વતન જાય તેવી સંભાવના ઓછી છે. છતાં પણ જે પરિવાર વતનમાં દિવાળી મનાવવા ઇચ્છે છે તેઓ સુરતથી વતન જશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer