ચીનને 65,000 ટન સિંગતેલની નિકાસનો અંદાજ

ચીનને 65,000 ટન સિંગતેલની નિકાસનો અંદાજ
ઊંચી માગને પગલે ભાવ ઊંચા રહેશે, પાછલા વર્ષે નિકાસ 45,000 ટન
નિલય ઉપાધ્યાય 
રાજકોટ, તા. 16 અૉક્ટો. 
ચીનની આક્રમક ખરીદી સિઝનના આરંભમાં જ શરૂ થઇ જતાં સિંગતેલના ડબા ટૂંકાગાળામાં સસ્તા થાય તેવી કોઇ શક્યતા જણાતી નથી. સૌરાષ્ટ્રમાં સિંગતેલનો ડબો રૂા. 2145-2185માં મળે છે કદાચ પિલાણ વ્યવસ્થિત થાય તો પણ રૂા. 2000ની નીચે તત્કાળ નહીં જાય તેમ અભ્યાસુઓ કહે છે. 
સિંગતેલના એક નિકાસકાર નામનો ઉલ્લેખ નહીં કરવાની ખાતરી માગતા કહે છેકે, લોકડાઉનના મહિના દરમિયાન ચીનમાં કોમોડિટીઝની આયાત ઠપ જેવી હતી. હવે ત્યાં પાઇપલાઇનો ખાલી થવા લાગી છે. વળી, નવા વર્ષે લૂનાર ઉત્સવ સરકાર કોરોનાની હળવાશ પછી ધામધૂમથી ઉજવવા ઇચ્છે છે. એ કારણે અન્ય કોમોડિટીઝની માફક સિંગતેલની પણ ધૂમ માગ છે. 
ભારતમાંથી ચીનમાં ગયા વર્ષમાં 45 હજાર ટનની નિકાસ કરવામાં આવી હતી. ચાલુ થયેલી નવી સીઝનમાં 60-65 હજાર ટન જાય તેવી સંભાવના દેખાય છે. ચીનની ખરીદી એક દોઢ મહિનાથી આક્રમક છે. ડિસેમ્બર સુધીના સોદા ચીને કરી લીધાં છે. એ માટેની રવાનગી હવે ચાલી રહી છે. 
અલબત્ત ચીનમાં હવાવાળું અર્થાત 2 ટકા એફએફએ ધરાવતું હોય તેવું તેલ નિકાસ કરવામાં આવે છે. આવું તેલ ભેજવાળી કે થોડી ડેમેજ થયેલી મગફળીમાંથી આપણે ત્યાં બનાવવામાં આવે છે. તેના પરિણામે ખેડૂતોની મગફળી વધારે વરસાદમાં નુક્સાનગ્રસ્ત થઇ હતી તેનો પણ પીલાણમાં સારી રીતે નિકાલ થઇ રહ્યો છે એમ તેમણે જણાવ્યું હતુ. 
બે ટકા એફએફએ ધરાવતું લૂઝ સીંગતેલ રુ. 1225માં ઓફર થઇ રહ્યું છે. નિકાસકારો છૂટથી ખરીદી રહ્યા છે. ચીનમાં સીએન્ડએફ શરતે 1800-1850 ડોલર પ્રતિ ટનના ભાવથી  કામકાજો થયા છે. નિકાસ માટે ડિસેમ્બર સુધીના શેડ્યૂલ પેક છે એટલે સ્થાનિક બજારમાં માત્ર સારું તેલ ઉપબલ્ધ બને તેમ છે. જેના ભાવ ડિસેમ્બર સુધી તો બહુ નીચાં આવવા મુશ્કેલ દેખાય રહ્યા છે.  
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મગફળીની આવક દૈનિક સરેરાશ સવા બેથી ત્રણ લાખ ગુણી સુધીની થઇ રહી છે. તેલની નિકાસ કરી રહેલી મિલોની ખરીદી પણ સારી છે. મિલો સારા-નબળા માલ મિક્સમાં પિલાણ કરી રહી છે. એ નિકાસમાં પૂરપાટ જાય છે. ખેડૂતોને પણ નબળી ગુણવત્તાનો સારો ભાવ પ્રાપ્ત થાય  છે. 
ગુજરાતમાં મગફળીની સરકારી ખરીદી 21 ઓક્ટોબરથી થવાની છે. હવે અઠવાડિયું પણ બાકી નથી છતાં ખેડૂતો વેંચવા માટે અધીરા છે. આ વર્ષે 35 લાખ ટનના પાકની આગાહી થઇ છે ને બીજી તરફ ખેડૂતો યાર્ડમાં પુષ્કળ માલ ઠાલવી રહ્યા છે. 
ગુરુવારે એકમાત્ર ગોંડલ યાર્ડમાં 1.10 લાખ ગુણીની ચાલુ સીઝનની વિક્રમી આવક થઇ હતી. ગોંડલ એપીએમસીના ચેરમેન ગોપાલભાઇ શીંગાળાને પૂછતા કહ્યું કે, ખેડૂતો પૈસાની જરુરિયાત પૂરી કરવા માટે મગફળી વેંચી રહ્યા છે. ખરેખર તો ખેડૂત ઉતાવળા થયા છે, એ કારણે સીઝનના આરંભે ભાવ નીચાં હોવા છતાં ય તોતીંગ આવક છે. વેંચવામાં ઉતાવળ ન કરે તો સારો ભાવ મળશે. કારણકે આ વર્ષે સીંગતેલ અને સીંગદાણા બન્નેની માગ ભારત જ નહીં વિશ્વમાં પણ રહેવાની છે તેવું સ્પષ્ટ દેખાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer