સુરતમાં ખેડૂતોના ડાંગરને લાખો રૂપિયાનું નુકસાન

સુરતમાં ખેડૂતોના ડાંગરને લાખો રૂપિયાનું નુકસાન
ચોમાસાની વિદાય વેળાના વરસાદથી  
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત તા. 16 ઓક્ટો. 
ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે. એવામાં પાછોતરા વરસાદને લીધે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કેટલાક ડાંગરના ઊભા પાકમાં લાખો રુપિયાનું નુકશાન થયું  છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. એક વર્ષમાં બે વખત ડાંગરની ખેતી કરે છે. પાછલા બે દિવસથી પડી રહેલા છૂટાછવાયા વરસાદના લીધે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે.  
કોરોનાને કારણે ડાંગર કાપણી માટે મજૂરોની પણ અછત ઉભી થઇ હતી. મજૂરો એક વિઘા માટે રૂા. 4500 મજૂરી લે છે. આથી ખેડૂતો ડાંગરની કાપણી મશીનથી કરાવી જલ્દી કામ પૂર્ણ કરે છે. ઘણા ખેડૂતોએ ચાલુ સપ્તાહે ડાંગરની કાપણી કરાવ્યા બાદ ડાંગરને હજુ ખેતરમાં ખુલ્લામાં રાખ્યું હતું તેઓને ભારે નુકશાન થયું છે. 
ઓલપાડ તાલુકાના અસનાડ ગામના ચેતનભાઇ કંથારિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઓલપાડમાં 70 ટકા લોકો ડાંગરની ખેતી કરે છે. ગુરૂવારે સાજે ધોધમાર વરસાદ પડતા ગામના 30થી વધુ ખેડૂતોને પાકનું ભારે નુકશાન થયું છે. ઝીનમાં ડાંગરનો ભાવ ગર્ષે રૂા.350 હતો. પરંતુ, વરસાદના કારણે પલળેલા ડાંગરનો ભાવ ઘટી જાય છે. જેથી ખેડૂતોને મોટા નુકશાનની સંભાવના છે.  
આ વર્ષે ખેડૂતોને કોરોનાકાળમાં એક પછી એક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. કોરોનામાં લોકડાઉન સમયે શાકભાજી, ફળ અને ફૂલોને ખેડૂતોએ નાશ કરવા પડયા હતા. કેળા અને ચીકુ પકવતા ખેડૂતોએ માથે હાથ દઇ રડવાનો વખત આવ્યો હતો. ત્યારબાદ વરસાદી આફતે ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer