તહેવારોની ઘરાકીની આશાએ હાજર સોનામાં $ 1નું પ્રીમિયમ

તહેવારોની ઘરાકીની આશાએ હાજર સોનામાં $ 1નું પ્રીમિયમ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ તા. 16 ઓક્ટો. 
અમેરિકા અને અન્ય દેશોમાં પ્રોત્સાહન પેકેજ આવવાના આશાવાદના તાંતણે સોનામાં નજીવો સુધારો આવ્યો છે. અલબત્ત આ માત્ર આશાવાદ જ છે. કોમેકસ ડીસેમ્બર વાયદો મંગળવારે ઇન્ટ્રાડેમાં ઘટીને 1915 ડોલર થયો તે અગાઉ સીધી તેજીમાં સોમવારે 21 સપ્ટેમ્બર પછીની નવી ઉંચાઈએ 1939 ડોલર પ્રતિ ઔંસ (31.1035 ગ્રામ) બોલાયો હતો. 
એનાલિસ્ટ કુશલ ઠાકર કહે છે કે ડોલરની તેજી પૂરી થવા આવી છે, છતાં મારી સલાહ છે કે દરેક ઘટાડે સોનું ખરીદવું જોઈએ. અમેરિકાની સરકારે પ્રોત્સાહન પેકેજ આપ્યા સિવાય છૂટકો નથી. તે અને અમેરિકન પ્રમુખની ચૂંટણી સોનાને ઉપર જવામાં મદદરૂપ થઇ પડશે. નવેમ્બરમાં અમેરિકન ચૂંટણીનું પરિણામ શું આવે છે અને શેરબજાર તેમજ કરન્સી માર્કેટમાં ઘટનાઓ કઈ રીતે વળાંક લે છે તેના પર સૌની નજર છે. ત્યાં સુધી થોભો અને રાહ જુઓ એવું સામાન્ય વલણ છે.  
દરમિયાન સ્થાનિકમાં પ્રત્યક્ષ સોનાના વેપારના સારા સમાચાર આવી રહ્યા છે. તહેવારોની ઘરાકીની આશાએ ઝવેરીઓ મધ્ય ઓગસ્ટ પછી પહેલી જ વખત આ સપ્તાહે સોનાનું વેચાણ 1થી બે ડોલરના પ્રીમિયમથી કરી રહ્યા છે. મધ્ય ઓગસ્ટમાં હાજર સોના ઉપર 72 ડોલર જેવું મોટું ડિસ્કાઉન્ટ બોલાતું હતું. આનો અર્થ એ થાય કે ભારતીય રોકાણકારો ઊંચા ભાવે પણ સોનું ખરીદવા સક્રિય થયા છે.    
આ વર્ષે સોનાના ભાવ 27 ટકા વધ્યા છે. હજુ પણ સંભવિત પ્રોત્સાહન પેકેજનો લાભ ફુગાવા સામેની ઢાલ તરીકે સોનાને મળશે કારણ કે પેકેજથી ડોલરની નબળાઈમાં વધારો થશે. આમ પણ બજારમાં જ્યારે અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાય ત્યારે રોકાણકાર સોનાને શરણે જતો હોય છે. ગયા શુક્રવારે અમેરિકન પ્રમુખે, સ્પીકર નેન્સી પોલોસી સાથેની ચર્ચા દરમિયાન 1.8 લાખ કરોડ ડોલરના રાહત પેકેજની દરખાસ્ત મૂકી. આ સમાચારને હવે બુલિયન રોકાણકારોએ પચાવી લીધા છે. 
અલબત્ત, આ પેકેજ વિરોધ પક્ષની 2.2 લાખ કરોડ ડોલરના પેકેજની માગણીની નજીક છે. ટ્રમ્પના કેટલાક સાથી રિપબ્લિકન સાંસદો 3 નવેમ્બરની ચૂંટણી અગાઉ અમેરિકાની બજેટ ખાધમાં વધારો કરવાની તરફેણમાં નથી. એટલાન્ટિક કિનારાના દેશો ખાસ કરીને યુરોપીયન કાઉન્સિલની મીટીંગ 15 અને 16 ઓકટોબરે મળી 
રહી છે.  
બોરીસ જોનસને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની શનિવારની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ (બોરીસ) વેપાર કરારનાં તમામ મહત્વનાં પાસાં ચકાસવાના પ્રયાસમાં કોઈ કચાશ નહિ રાખે. તેમણે ચેતવણીના સ્વરમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચેની વાતચીતની પ્રગતિ માટે આગામી દિવસોમાં ઘણી બાબતોનું નિરાકરણ લાવવું પડશે. ગત શુક્રવારે અમેરિકન કોમોડીટી ફ્યુચર્સ ટ્રેડીંગ કમિશને કહ્યું હતું કે 6 ઓકટોબરે પૂરા થયેલા સપ્તાહમાં રોકાણકારોએ ચાંદીનાં વેચાણો કાપીને સોનામાં લેણ વધાર્યું હતું.  
સપ્ટેમ્બરમાં ભારતીય રોકાણકારોએ ઊંચા ભાવને કારણે સોનાની ખરીદી મુલતવી રાખી દેતાં સોનાની આયાત વર્ષાનુવર્ષ ટકા ઘટીને માત્ર 8.4 ટન થઇ ગઈ હતી. ઓગસ્ટની 35.5 ટનની આયાતની સરખામણીમાં પણ સપ્ટેમ્બરનો ઘટાડો ખૂબ મોટો ગણાય.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer