ગુરુવારના કડાકાને ગઈ ગુજરી સમજી રોકાણકારો ફરીથી ખરીદી તરફ વળ્યા

ગુરુવારના કડાકાને ગઈ ગુજરી સમજી રોકાણકારો ફરીથી ખરીદી તરફ વળ્યા
સેન્સેક્ષ 255 પોઇન્ટસ વધ્યો, નિફ્ટી 11750ની ઉપર બંધ થયો
વ્યાપાર ટીમ 
મુંબઇ, તા. 16 અૉક્ટો.
ગુરુવારના કડાકા બાદ આજે શેરબજારમાં માફક રિકવરી આવી હતી,  સેન્સેક્ષ 255 પોઇન્ટ્સ વધી 39983 પોઇન્ટ્સ અને નિફ્ટી 82 પોઇન્ટ્સ વધી 11762ના સ્તરે બંધ આવ્યા હતા. ઇન્ડિયા વીઆઇએક્સ બે ટકા ઘટી 21.64ના સ્તરે જોવા મળ્યો હતો. 
બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 1 ટકો વધી 14621ના સ્તરે અને સ્મોલ કેપ ઇન્ડેક્સ આશરે 1 ટકો વધી 14787ના સ્તરે બંધ આવ્યા હતા.
બીએસઇમાં આજે સૌથી વધેલા શેર્સમાં થાઇરોકેર ટેક 14.38 ટકા, પ્રેસ્ટિજ એસ્ટેટ 11.95 ટકા, જીએમઆર ઇન્ફ્રા 9.05 ટકા  અને બિરલા સોફ્ટ 8.77 ટકા વધ્યા હતા. બીજી તરફ મહા સીમલેસ 6.87 ટકા, અશોકા બિલ્ડકોન 6.31 ટકા, હેરિટેજ ફૂડ્સ 4.99 ટકા, અરવિંદ ફેશન્સ 4.98 ટકા અને હૅથવે કેબલ 4.95 ટકા ઘટીને બંધ આવ્યા હતા. 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસીસ, માઇન્ડ ટ્રી, એચસીએલ ટૅક. અને ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સના શેર્સમાં સૌથી વધુ વૉલ્યુમ નોંધાયું હતું. 
વૈશ્વિક બજારો 
અમેરિકામાં નવા આર્થિક પેકેજ માટે શરૂ થયેલી મંત્રણામાં કોરોનાના નવેસરથી કેસ વધે તો આર્થિક વિકાસને અવરોધ નિર્માણ થશે એવી આશંકાએ વૈશ્વિક શેરબજારોમાં રોકાણકારોએ સાવધ વલણ અપનાવ્યું હતું. 
એશિયન બજારોમાં જપાનનો નિક્કી 96.60 પોઇન્ટ્સ ઘટયો હતો જ્યારે હેંગસેંગમાં 228 પોઇન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન અને સાઉથ કોરિયન શેરબજાર 1થી 1.5 ટકા ઘટયા હતા જ્યારે ચીનના શાંઘાઇમાં સામાન્ય વધારો હતો. 
યુરોપના શેરબજારોમાં ગઇકાલના કડાકા બાદ ખરીદી નીકળી હતી. ફ્રાન્સ 1.5 ટકા, લંડન શેરબજાર 1.35 ટકા અને જર્મન ડેક્સ 1 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.    
કોમોડિટીઝમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બૅરલ 35 સેન્ટ ઘટી 42.81 ડૉલર હતું જ્યારે ગોલ્ડ પ્રતિ ઔંસ 4.80 ડૉલર વધી 1913.70 ડૉલર રનિંગ હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer