ખનિજ લોખંડની નિકાસ ફરી શરુ કરવાની માગણી

ખાણોનાં મુખ પાસે કાચી ધાતુના ગંજ ખડકાયા છે  
નવી દિલ્હી, તા. 20 ઓક્ટો. 
લોખંડની ખાણોનાં મુખ પાસે કાચી ધાતુના ગંજ ખડકાયા છે અને તેની નિકાસ નહીં કરવા દેવાય તો તે મૂલ્યવાન વિદેશી હૂંડિયામણ રળી આપનારી આ જણસના વેડફાટ સમાન હશે, એમ ફેડરેશન ઓફ ઇન્ડિયન મિનરલ ઈન્ડસ્ટ્રિઝ (ફિમી)એ જણાવ્યું છે.  
દેશની ખનિજ લોખંડની વાર્ષિક જરૂરિયાત 16.50 કરોડ ટનની છે, જયારે સ્થાનિક ઉત્પાદન 20.6 કરોડ ટનનું છે એમ ફિમીએ ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી પિયુષ ગોયલને લખેલા એક પત્રમાં જણાવ્યું છે.  
`ખાણોનાં મુખ પાસે ખડકાયેલા કાચી ધાતુના ઢગલા દર વર્ષે વધતા જાય છે. જો દેશના સ્ટીલ અને સ્પોન્જ આયર્ન પ્લાન્ટને તેમની જરૂરત ન હોય અને ખાણિયાઓને તેમની નિકાસ કરવાની પણ છૂટ નહીં અપાય તો વરસાદની મોસમમાં આ ખનિજ ધોવાઈ જશે અને નદીનાળાંમાં જઈ પડશે. જે ખનિજમાંથી ઉદ્યોગ કમાણી કરી શકે અને રાષ્ટ્રીય આવકમાં યોગદાન આપી શકે તે આ રીતે વેડફાઈ જશે,` એમ ફિમીનો પત્ર જણાવે છે.    
હાલમાં ખાણ કંપનીઓ ખનિજ લોખંડની કાયદેસર નિકાસ તેના એકમાત્ર ખરીદદાર ચીનને કરે છે અને દેશની સંપત્તિમાં યોગદાન આપે છે,` એક ફિમીએ કહ્યું છે. 58 ટકાથી વધુ લોખંડ ધરાવતી કાચી ધાતુની નિકાસ પર જકાત લાગે છે. જો સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ આ કાચી ધાતુ ખરીદી લે તો તેના પર જકાત ભરવાની નોબત ન આવે,` એમ તેણે કહ્યું છે.  
ફિમીએ એમ પણ કહ્યું છે કે જો સ્ટીલ પરની આયાત જકાત હટાવીને તેના સ્થાનિક વપરાશને પ્રોત્સાહન અપાય તો સ્થાનિક વપરાશકારોને સારી જાતનું સ્ટીલ વાજબી ભાવે મળી શકશે. `આયાત જકાત દૂર કરાય તો હાલ બેફિકર બની ગયેલા સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને નાવીન્ય લાવવાની અને સ્પર્ધાત્મક ભાવે સ્ટીલ પેદા કરવાની ફરજ પડશે,` એમ તેણે કહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer