કોરોના વેક્સિન માટે કોલ્ડ સ્ટોરેજો તૈયાર

કોરોના વેક્સિન માટે કોલ્ડ સ્ટોરેજો તૈયાર
રેફ્રીજરેટેડ વ્હીકલ્સની વ્યવસ્થા કરવામાં આવશે 
અનિલ પાઠક 
અમદાવાદ, તા. 20 અૉક્ટો. 
કોરોનાને અંકુશમાં લેવા વેક્સિન તૈયાર કરી દેશભરમાં પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના વહીવટી તંત્રોએ તૈયારી શરૂ કરી દીધી છે અને આ કામગીરીમાં ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન સૌથી આગળ છે એવું કહી શકાય. 
સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા પૂણે ખાતે આવેલા મુખ્ય મથકથી આ પ્રસ્તાવિત વેક્સિનના જથ્થાને રેફ્રીજરેટેડ વાનમાં ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર પહોંચાડવામાં આવશે અને ત્યાંથી મોટા શહેરો જિલ્લા મથકો અને છેક ગામડાઓમાં કેમ પહોંચાડવી તેનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આજે આ નિર્દેશ આ એસોસિએશનના પ્રમુખ આશિષ ગુરૂએ આપ્યો હતો. 
આશિષભાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં આવેલા 800 કોલ્ડ સ્ટોરેજમાં કેટલી જગ્યા વેક્સિનને સાચવવા મુકરર કરવી તે તમામ બાબતો પર અમે ચર્ચા કરી લીધી છે અને આગામી સપ્તાહમાં અમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ મળીને આ તૈયારીઓ બાબતમાં અવગત કરવાના છીએ. 
આગામી 2021ની શરૂઆત એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ વેક્સિનનો ખૂબ મોટો જથ્થો દેશભરમાં પહોંચાડવો પડશે. આપણે ત્યાં પૂણેથી આ વ્યવસ્થા કરવામાં આવશે. હાલના એક અંદાજ પ્રમાણે 50 થી 60 કરોડ વેકસીનનો જથ્થો આપણા દેશમાંથી અને રશિયા જેવા બીજા દેશોમાંથી આવશે અને આટલા મોટા જથ્થાને રેફ્રીજરેટેડ વાન્સમાં દેશભરમાં પહોંચાડાશે. 
ગુજરાતની જરૂરિયાત પ્રમાણે વેક્સિનને ઠંડા વાતાવરણમાં કોલ્ડ સ્ટોરેજમાં રખાશે અને ત્યારબાદ નક્કી કરેલી યોજના પ્રમાણે તેની વહેંચણી આવી વાન્સમાં નિયત સ્થળોએ મોકલાશે. ઉલ્લેખનીય છેકે દેશભરમાં આ પ્રકારે 8થી 10 હજાર કોલ્ડસ્ટોરેજો છે તેનો ઉપયોગ પણ વેક્સિન સાચવવા માટે કરવામાં આવશે. 
પૂણે ઉપરાંત ગુજરાતમાં પણ મોટી ફાર્મા કંપનીઓને વેકસીન ઉત્પાદનની કામગીરી સોંપાઈ છે અને તેથી આવા રેફ્રીજરેટેડ વ્હીકલ્સની વ્યવસ્થા કરવામાં આવશે અને એમાં વેકસીન ટ્રાન્સપોર્ટ કરવા પડશે. આ માટે નાનાના પેકેજીસ અને ડ્રાય આઈસની પણ ખૂબ મોટી જરૂર પડશે. 
અમદાવાદ નજીક ચાંગોદર, ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આ ફાર્મા કંપનીઓના મેન્યુફેકચરીંગ પ્લાન્ટસ છે. ત્યાંથી વેક્સિનને ઉપાડી કોલ્ડ સ્ટોરેજમાં પહોંચાડવાની ચેઇન અમે ગોઠવી રહ્યા છીએ અને વેક્સિન તૈયાર થઇ જતાં તુરત જ આવા ખાસ વ્હીકલ્સ દ્વારા તેનું ટ્રાન્સપોર્ટેશન કરાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer