વોટરજેટના સાહસિકોએ એમઇઇ મોડેલ માટે રૂા. 80 લાખ ચૂકવવા પડશે

વોટરજેટના સાહસિકોએ એમઇઇ મોડેલ માટે રૂા. 80 લાખ ચૂકવવા પડશે
વોટરજેટ મશીનો લગાવતાં પૂર્વે ફરજીયાત એમઇઇ મોડેલના જીપીસીબીના ફતવાથી ઉદ્યોગકારો ધૂંવાપૂંઆ  
ખ્યાતિ જોશી  
સુરત, તા. 20 ઓક્ટો.  
કોરોનાકાળમાં ઉદ્યોગકારોની મુશ્કેલીઓ પહેલેથી વધેલી છે એમાં ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ તરફથી કાપડ ઉદ્યોગ માટે નવો અંતરાય ઉભો કરાયો છે. સુરતમાં વોટરજેટનાં એકમો ધરાવતા સાહસિકોએ નવા મશીનો લગાવતા પૂર્વે ફરજીયાત એમઇઇ(મલ્ટીપલ ઇફેક્ટીવ ઇવાપોર્ટેર) સિસ્ટમ લગાવવી ફરજિયાત બનાવાઇ છે. આ માટે ઉદ્યોગકારે અધધધ રૂા. 80 લાખનો ખર્ચ કરવો પડે તેમ છે.  
જીપીસીબીના નવા ફતવાથી ઉદ્યોગકારો ભારે ક્રોધિત થયા છે. એમઇઇ સિસ્ટમ લગાવવાના ફતવાને લઇને ઉદ્યોગકારો આગામી દિવસોમાં જીપીસીબી સામે મોટી લડત ચલાવે તેવા અણસાર દેખાઇ રહ્યા છે. વોટરજેટ મશીન ધરાવનારે જીપીસીબીમાં લાયસન્સ મેળવવાનું રહે છે. હાલ, પર્યાવરણ મંજૂરી માટે વોટરજેટના ઉદ્યોગકારો પ્રતિ વોટરજેટ મશીન માટે એફ્યુલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(ઇટીપી) તથા આર.ઓ. પ્લાન્ટ લગાવે છે. જેની કિંમત રૂા. 50 હજારથી લઇને રૂા. 2 લાખ સુધીની છે.   
જીપીસીબીની નવા પરિપત્ર મુજબ વોટરજેટના નવા મશીનો લગાવનારાએ મલ્ટીપલ ઇફેક્ટીવ ઇવાપોર્ટર(એમઇઇ) સિસ્ટમ નાખવી અથવા કોમન એમઇઇ નાખવી ફરજીયાત કરાઇ છે. નવા મશીનધારકો પાસે એમઇઇ સિસ્ટમ નહિ હોય તો તેઓના લાયસન્સ રીલીઝ કરાશે નહિ.  
વોટરજેટના મશીનો ધરાવનારાઓએ આ માટે રૂા. 80 લાખનો ખર્ચ કરવો પડે તેમ છે. જ્યારે સામાન્યત: પ્રતિ વોટરજેટ મશીનની કિંમત અંદાજે રૂા. અઢીથી ચાર લાખની આસપાસ થાય છે. આ સંજોગોમાં મશીનો કરતા અનેકગણી કિંમત લાયસન્સ મેળવવા માટેની થાય તેમ છે.  
દક્ષિણ ગુજરાત ચેમ્બરના ઉપપ્રમુખ આશીષ ગુજરાતી કહે છે કે, અમારી પાસે આ મામલે રજૂઆતો આવી છે. અમે અલગ-અલગ વિવીંગ સંગઠનો પાસેથી રજૂઆતો મંગાવી છે. અધધધ રકમની એમઇઇ સિસ્ટમ ઉદ્યોગકારને પોષાય તેમ નથી. ગાંધીનગર જઇ આ મામલે અમે રૂબરૂ રજૂઆત કરી ઝડપથી પ્રશ્નનો નિવેડો લાવીશું.  
અગ્રણી વિવર્સ મયુર ગોળવાળા કહે છે કે, અમે ગાંધીનગર જીપીસીબી ચેરમેન-સેક્રેટરીઅને પર્યાવરણ મંત્રીને પણ રજૂઆત કરી છે. એમઇઇ સિસ્ટમ ફરજીયાત લગાડવાનો ફતવો પાછો ખેંચવામાં નાહિં આવે આવે તો નવા મશીનો પાછળનું વિસ્તરણ અટકી પડશે. હાલમાં અનેક સાહસિકો નવા મશીનો ચાલુ કરી શકે તેવા સંજોગો હોવા છતાં જીપીસીબીના નવા ફતવાને કારણે ઉત્પાદન લેવાની કામગીરી ખોરંભે ચઢી છે.  
નાના એકમો ધરાવતા ઉદ્યોગકારો માટે એમઇઇ નાખવું શક્ય નથી. કુલ પ્લાન્ટ ખર્ચ અને મશીનરી કરતા પણ બમણી રકમથી એમઇઇ પ્લાન્ટનો ખર્ચ કોઇપણ સંજોગોમાં ઉદ્યોગકારને પોષાય તેમ નથી. પ્રવર્તમાન સ્થિતિમાં આ પ્રકારના ફતવાથી સુરત અને આજુબાજુના વિસ્તારમાં વોટરજેટમાં વિસ્તરણ લગભગ બંધ જેવી હાલતમાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer