ડીઝલના વેચાણમાં સાત મહિના બાદ વાર્ષિક ધોરણે વધારો થયો

ડીઝલના વેચાણમાં સાત મહિના બાદ વાર્ષિક ધોરણે વધારો થયો
નવી દિલ્હી, તા. 20 ઓક્ટો. 
લોકડાઉન હળવો કરાતાં પેટ્રોલ પછી હવે ડીઝલના વેચાણમાં પણ વાર્ષિક ધોરણે વધારો નોંધાયો છે. આ મહિનાના પ્રથમાર્ધમાં ટોચની ત્રણ તેલ કંપનીઓનું ડીઝલનું વેચાણ વર્ષાનુવર્ષ 8.8 ટકા વધ્યું હોવાનું પ્રાથમિક અંદાજો પરથી જણાય છે.      
માર્ચની આખરમાં કોરોનાનો પ્રતિકાર કરવા માટે દેશવ્યાપી લોકડાઉન નાખવામાં આવ્યો ત્યાર પછી પ્રથમ વાર દેશમાં સૌથી વધુ વપરાતા બળતણમાં તહેવારોની પૂર્વસંધ્યાએ વાર્ષિક ધોરણે વધારો થયો છે. 
ટોચની ત્રણ તેલ કંપનીઓનું ડીઝલનું વેચાણ ઓક્ટોબરના પ્રથમાર્ધમાં 8.8 ટકા વધીને 26.5 લાખ લીટર થયું હતું, એમ જાણકાર સૂત્રોએ કહ્યું હતું. આગલા મહિનાના (સપ્ટેમ્બરના) આ સમયગાળાની સરખામણીમાં પણ આ જથ્થો 24 ટકાનો વધારો દર્શાવે છે.     
કોરોના વાઇરસને કારણે બીજી અનેક ચીજોની સાથે બળતણની માગ ઘટવા લાગી ત્યારથી અત્યાર સુધીમાં આ પહેલી વાર કોઈ મહિનાના પ્રથમ પંદર દિવસમાં ડીઝલની માગ આગલા વર્ષની સરખામણીમાં વધી છે. આવો વર્ષાનુવર્ષ વધારો છેલ્લે ફેબ્રુઆરીમાં જોવાયો હતો.  
ભારતમાં પેટ્રોલની માગ આ અગાઉ જ ગત વર્ષના સ્તરે પહોંચી ચૂકી છે. ડીઝલના વપરાશને ગયા વર્ષના સ્તરે ફરીથી જતાં વાર લાગી કેમ કે કોરોનાના ભયથી લોકો રિક્ષા, બસ કે ટેક્સી જેવાં જાહેર પરિવહનનાં સાધનોને બદલે પોતાની કાર કે સ્કૂટર વાપરવાનું વધુ પસંદ કરે છે. ભારતમાં કોરોનાના નિશ્ચિત સંક્રમિતોની સંખ્યા 74 લાખને પાર કરી ગઈ છે.  
હવે લોકડાઉન ક્રમશ: હળવો કરાઈ રહ્યો છે, પાકની લણણી શરુ થવામાં છે અને તહેવારો માથે છે ત્યારે આગામી દિવસોમાં આ ઔદ્યોગિક બળતણની માગ વધવાની આશા સેવાઈ રહી છે.  
પેટ્રોલની માગ ઓક્ટોબરના પ્રથમાર્ધમાં વાર્ષિક ધોરણે 1.6 ટકા વધીને 9.82 લાખ લીટર થઇ હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આગલા મહિનાના (સપ્ટેમ્બરના) આ સમયગાળાની સરખામણીમાં પણ આ જથ્થો 1.5 ટકાનો વધારો દર્શાવે છે. 
કાકિંગ ગેસનું વેચાણ પણ અૉક્ટોબર 1-15 દરમિયાન માસિક ધોરણે ત્રણ ટકા અને વાર્ષિક ધોરણે સાત ટકા વધીને 11.6 લાખ ટન થયું છે.  
જો કે વિમાની સેવાઓ હજી પૂર્વવત થઇ ન હોવાથી વિમાની બળતણનું વેચાણ ગત વર્ષની સરખામણીમાં ક્યાંય નીચું રહ્યું છે. ઓક્ટોબરના પ્રથમ 15 દિવસમાં વિમાન બળતણનું વેચાણ 1.35 લાખ ટન હતું જે ગત વર્ષની સરખામણીમાં 57 ટકા ઓછું છે, પરંતુ 1-15 સપ્ટેમ્બરના 1.30 લાખ ટનના વેચાણમાં 2.5 ટકાનો સુધારો દર્શાવે છે.   
દેશની ત્રણ મોટી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમે ટીકાટિપ્પણ કરવાનો ઇન્કાર કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer