તહેવારોની પૂર્વસંધ્યાએ તેલ રિફાઇનરીઓમાં ધમધમાટ

તહેવારોની પૂર્વસંધ્યાએ તેલ રિફાઇનરીઓમાં ધમધમાટ
નવી દિલ્હી, તા. 20 ઓક્ટો. 
તહેવારોમાં બળતણની માગ વધવાની ધારણાથી રિફાઇનરીઓએ ઉત્પાદનનો વેગ વધારી દીધો છે. તહેવારોની વધારાની માગને કોરોના પણ ખાળી નહીં શકે એવો તેમને વિશ્વાસ છે.  
નવરાત્રિથી દિવાળી દરમિયાન લોકો જાતજાતની ચીજોની ખરીદી કરે છે અને ડીઝલ ગટકાવતી ટ્રકો કપડાંથી લઈને રેફ્રિજરેટર સુધીની ચીજોની હેરફેરમાં લાગી જતી હોવાથી બળતણની માગમાં વધારો થાય છે. આ સિનારિયો ધ્યાનમાં રાખીને રિફાઇનરીઓએ કામકાજની ઝડપ વધારી દીધી છે. 
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રિફાઇનરીઓ હાલ 86 ટકા ક્ષમતાથી ક્ષમતાથી કામ કરી રહી છે. ઓગષ્ટમાં ઉત્પાદનક્ષમતનો વપરાશ 67 ટકા હતો, એમ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું. ભારત પેટ્રોલિયમની રિફાઇનરીઓ 85 ટકા કરતાં વધુ ક્ષમતાએ જયારે હિન્દુસ્તાન પેટ્રોલિયમની પૂર્ણ ક્ષમતાએ કામ કરી રહી છે. રિફાઇનરીઓના પ્રવક્તાઓએ ટીકાટિપ્પણ કરવાની ના પાડી હતી.   
ચીને કોરોનાને કાબૂમાં લેવામાં ઘણી સફળતા મેળવી છે અને બળતણની આંતરરાષ્ટ્રીય માગ વધારવામાં અને લોકડાઉન ઉઠાવી લેવામાં આગેવાની લીધી છે, જયારે ભારતને આ મોરચે માર્યાદિત સફળતા મળી છે; કોરોનાગ્રસ્તોની સંખ્યા બોત્તેર લાખને વટાવી ગઈ છે. પરંતુ કોરોનાના કેસ વધતા જતા હોવા છતાં લોકો રાજિંદી પ્રવૃત્તિઓ શરુ કરી રહ્યા છે 
અને ઉત્સવો પણ પૂરજોશથી ઉજવવાની તૈયારીમાં છે.  
`લોકોમાં વાઇરસનો ડર હોવા વિષે મને શંકા છે,' એમ રાટિંગ એજન્સી ઇક્રાના વાઇસ પ્રેસિડેન્ટ કે. રવિચંદ્રને જણાવ્યું હતું. `સમુદ્ર કિનારે અને મોલ્સમાં ટોળેટોળાં ઉમટે છે. પરિસ્થિતિ હજી સામાન્ય થઇ નથી. પરંતુ લોકો પાકીટ ઉઘાડી રહ્યા છે અને વપરાશી માલસામાનની ખપત વધી છે એ જોઈ શકાય છે.' 
દેશભરમાં રિફાઇનરીઓ હાલ સરેરાશ 85 ટકાથી વધુ ક્ષમતાએ કામ કરી રહી છે અને 90 ટકાની નજીક પહોંચી ગઈ છે. ઓગષ્ટમાં આ પ્રમાણ 76 ટકા હતું. લોકો હજી પણ સંક્રમણનું જોખમ ટાળવા બસ કે ટેક્સીઓ કરતાં કાર અથવા સ્કુટર જેવાં ખાનગી વાહનોમાં પ્રવાસ કરવો વધારે પસંદ કરતા હોવાથી અન્ય બળતણોના મુકાબલે પેટ્રોલની માગમાં મોટો વધારો થયો છે. 
આગામી સપ્તાહોમાં ઉત્સવોની ઉજવણી, પાકની લણણી તેમ જ કેન્દ્ર સરકારે જાહેર કરેલા પ્રોત્સાહન પેકેજને કારણે ડીઝલની માગમાં વધારો થવાનો સંભવ છે. કેન્દ્ર સરકારના પ્રત્યેક કર્મચારીને તહેવારો નિમિત્તે રૂ. 10,000ની રકમ  એડવાન્સ તરીકે મળવાની છે.  
`ડીઝલનો વપરાશ રાબેતા મુજબનો થતો જાય છે અને તહેવારો અને લણણીને પગલે તેમાં વધુ જોર આવશે,' એમ ભારત પેટ્રોલિયમના વરિષ્ઠ અધિકારી આર રામચંદ્રને કહ્યું હતું. ચોમાસાના પ્રમાણમાં તહેવારોમાં બળતણની માગ ઓછામાં ઓછી દસેક ટકા વધી જાય છે,` એમ તેમણે ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer