મોરબીના ઘડિયાળ ઉત્પાદકો રમકડાં બનાવશે

મોરબીના ઘડિયાળ ઉત્પાદકો રમકડાં બનાવશે
નજીવા રોકાણે રમકડાં ઉદ્યોગમાં આત્મનિર્ભર બની શકાય : જયસુખભાઈ પટેલ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 અૉક્ટો. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે કરેલા અનુરોધના પગલે ગુજરાતમાં મોરબીના 175 જેટલા ઘડિયાળ ઉત્પાદકોએ એકત્ર થઈને એક સંગઠન રચ્યું છે. અજંતા - ઓરેવા જૂથના જયસુખભાઈ પટેલની આગેવાની હેઠળ રચાયેલા આ સંગઠને મેઇક ઈન મોરબી સ્લોગન હેઠળ રમકડાં અને મચ્છર મારવાનાં રેકેટ્સની ચીનથી થતી આયાત અટકાવવા માટે મોરબીમાં જ તેનું મોટા પાયે ઉત્પાદન હાથ ધરવાનો નિર્ણય લીધો છે.  
જયસુખભાઈએ જણાવ્યું કે હાલમાં કોરોનાગ્રસ્ત ઘડિયાળ ઉદ્યોગ માંડ 40 ટકા ક્ષમતાએ કાર્યરત છે, ત્યારે ઉત્પાદકો રમકડાંના તદ્દન નવા ઉદ્યોગમાં ઝંપલાવવા સજ્જ છે. મહત્ત્વની બાબત એ છે કે ઘડિયાળ ઉદ્યોગ પાસે સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે અને ફક્ત 10 ટકા જેવા નજીવા રોકાણે આ નવો ઉદ્યોગ શરૂ કરી શકાય તેમ છે. મોરબીમાં સોફ્ટ ટૉય્ઝ બનાવી શકાય તેમ નથી, પરંતુ રમકડાં બનાવવા માટે મુખ્યત્વે પ્લાસ્ટિકનું રો મટિરિયલ અને ઈલેક્ટ્રોનિક્સ સામાનની જરૂર પડે છે. આ બંને ઘડિયાળ ઉદ્યોગમાં પણ મુખ્ય રૂપે વાપરવામાં આવે છે. એટલે, ઘડિયાળ ઉત્પાદકો સરળતાથી પોતાની ફાજલ સવલતો વડે ચીનને ટક્કર આપતાં ઈલેક્ટ્રોનિક્સ અને પ્લાસ્ટિકનાં રમકડાં બનાવી શકે તેમ છે.  
હાલમાં દેશના રમકડાં બજારમાં 85થી 90 ટકા માલ ચીનની બનાવટનો આવે છે અને બીજી તરફ કોરોનાનો માર ઝીલી રહેલા ઘડિયાળ ઉત્પાદકો ફક્ત 10 ટકા નવું રોકાણ કરે તો આ ઉદ્યોગમાં ઝંપલાવી શકે તેમ હોવાનું જણાવતાં જયસુખભાઈએ જણાવ્યું કે તાજેતરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને અમે આ બાબતે આવેદનપત્ર આપ્યું છે. તેમાં મોરબીમાં આવેલા ક્લોક અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનાં 350થી વધુ એકમો અને 35,000થી વધુ કામદારોને ટોય્ઝ ઈન્ડસ્ટ્રી તરફ વાળીને એટલે કે મોરબીને ટોય્ઝ હબ તરીકે વિકસાવવા અપીલ કરવામાં આવી છે. આ સાથે, રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિમાં જાહેર કરવામાં આવેલા લાભ આ ઉત્પાદકોને મળે તો ખૂબ જ ઓછા સમયમાં મોરબી ટોય્ઝ હબ બની શકે તેમ જણાવાયું છે. મોરબીનાં ઘડિયાળ ઉત્પાદક એકમો નાનાં કદનાં છે, ત્યારે એજેસ્ટિંગ યુનિટના લાભ હેઠળ તેમને બેન્ક લોન ઉપર વ્યાજ સબસિડી તેમ જ પાંચ વર્ષ માટે ઈલેક્ટ્રિક ડ્યૂટીમાંથી માફી આપવા વિનંતી કરાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer