લૉકડાઉન ગયો છે, કોરોના નહીં : વડા પ્રધાન

લૉકડાઉન ગયો છે, કોરોના નહીં : વડા પ્રધાન
`રસી શોધાય ત્યાં સુધી સાવધાની જરૂરી'
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 20 અૉક્ટો. 
તહેવારોની પૂર્વસંધ્યાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના સામે સાવધાની અને સતર્કતા જાળવી રાખવાની અનુરોધ કર્યો છે.   
એક રાષ્ટ્રજોગ પ્રવચનમાં વડા પ્રધાને આજે કહ્યું કે કોરોના સામેની લડતમાં સફળતા મળતી જાય છે. લોકડાઉન હળવો કરાવાની સાથે આર્થિક પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે અને બજારોમાં પણ રોનક પાછી ફરી રહી છે. આમ છતાં સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગની શિસ્તમાં જરા પણ શિથિલતા લાવવાનું આપણને પોષાશે નહીં. `લોકડાઉન ગયો છે, કોરોના નહીં'. 
નવરાત્રિ, દશેરા, દિવાળી, ઈદ અને નાનક જયંતી સહિતના તહેવારો ઉલ્લાસ, ઉમંગ અને આનંદનાં પર્વો છે. થોડીક બેદરકારી આપણી ખુશીને ઉદાસીમાં બદલી શકે તેમ છે. એવું ન બને તે મારે સાવધાની રાખો એમ તેમણે કહ્યું હતું. 
વડા પ્રધાને કહ્યું કે દુનિયાના વિકસિત દેશોની સરખામણીમાં ભારતે કોરોના મહામારીનો વધુ સફળતાથી પ્રતિકાર કર્યો છે. દર દસ લાખની વસ્તી દીઠ ભારતમાં દર્દીઓની સંખ્યા 5500 અને મૃત્યુ પામનારાઓની સંખ્યા 83 જેટલી છે, જયારે અમેરિકા સહિત અનેક વિકસિત દેશોમાં દર્દીઓનું પ્રમાણ 25,000 કરતાં અને મૃત્યુ પામનારાઓનું પ્રમાણ 600 કરતાં વધુ છે. આજે દેશમાં કોરોનાના દર્દીઓ માટે 90 લાખ ખાટલા અને 12000 ક્વોરન્ટાઇન કેન્દ્રો છે. તેના પરીક્ષણ માટે બે હજારથી વધુ પ્રયોગશાળાઓ છે. 
આમ છતાં કોઈ પણ જાતની બેદરકારી આપણને ભારે પડી શકે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે થોડા સમયથી દેશના અનેક વિસ્તારોમાં કોરોનાની શિસ્ત ઢીલી પડી હોય તેવું દેખાય છે. અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં કોરોનાનો પ્રભાવ એક વાર ઘટી ગયા પછી ફરીથી વધ્યો હોવાનું જણાઈ રહ્યું છે. તેથી આપણે લાપરવા થવાનો આ સમય નથી. તમારી બેદરકારી તમને પોતાને, તમારા પરિવારને, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને માટે જોખમ ઊભું કરી શકે તેમ છે. 
વડા પ્રધાને કહ્યું કે આ મહામારીથી બચાવવા માટે દુનિયાભરમાં પ્રયાસો ચાલે છે. આપણે ત્યાં પણ અનેક રસી પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી કેટલીક આગળના તબક્કામાં છે અને સફળ થવાનાં ચિહ્નો દેખાય છે. સંપૂર્ણ સલામત અને અસરકારક રસી શોધાય કે તરત જ તેને ઘરેઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવા સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.   
પરંતુ જ્યાં સુધી રસી ન આવે ત્યાં કોઈ પણ જાતની શિથિલતા દર્શાવશો નહિ. ખેતરમાં પાકેલું અનાજ જોઈને ખેડૂત હરખાય, પણ એ જયારે ઘરમાં આવે ત્યારે સાચું એવી મતલબનો કબીરજીનો દુહો ટાંકીને તેમણે કહ્યું હતું કે જબ તક દવાઈ નહિ, તબ તક ઢીલાઈ નહિ. 
નૅશનલ ડિઝિટલ હૅલ્થ મિશન અંતર્ગત દેશના પ્રત્યેક નાગરિકને યુનિક હૅલ્થ આઇડેન્ટિટી (આઇડી) આપવાની જાહેરાતના બે મહિના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એવો સંકેત આપ્યો હતો કે કોરોના સહિતના રસિકરણ મિશનમાં આ ડિઝિટલ હૅલ્થ આઇડીનો ઉપયોગ થશે.
ગ્રાન્ડ ચેલેન્ઝીસ એન્યુઅલ મીટિંગ 2020ના ઉદ્ઘાટન સમારોહના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે કોરોનાની રસી વિકસિત કરવામાં ભારત દુનિયામાં અગ્રેસર છે, કેટલીક રસીના પરિક્ષણો આખરી તબક્કામાં છે. પરંતુ આપણે અહિંથી અટકવાના નથી. ભારતમાં સૌને રસીકરણની યોજના પણ તૈયાર થઇ રહી છે. આ સમગ્ર ડિઝિટલાઇઝેશન નૅટવર્ક અને નાગરિકોની ડિઝિટલ હૅલ્થ આઇડીનો ઉપયોગ આપણે રસીકરણના કાર્યક્રમમાં કરીશું. 
આ વર્ષે દેશના સ્વતંત્રતા પર્વના સંબોધનમાં મોદીએ જાહેર કર્યું હતું કે દેશના પ્રત્યેક નાગરિકને ડિઢિટલ હૅલ્થ કાર્ડ આપવામાં આવશે જેમાં નાગરિકની ઉંમરથી લઇને તેને કોઇ બીમારી છે કે અગાઉ થયેલી છે એની સમગ્ર જાણકારી હશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer