એફએમસીજી અગ્રણી કંપની હિન્દુ. યુનિલિવરનો નફો 9 ટકા વધીને રૂા. 2,009 કરોડ થયો

એફએમસીજી અગ્રણી કંપની હિન્દુ. યુનિલિવરનો નફો 9 ટકા વધીને રૂા. 2,009 કરોડ થયો
ગ્રામીણ માગ મજબૂત, શહેરોમાં હજી નબળી
એજન્સીસ
નવી દિલ્હી, તા. 20 અૉક્ટો.
 હિન્દુસ્તાન યુનિલિવર કંપનીનો ચોખ્ખો નફો સપ્ટેમ્બર 2020 ત્રિમાસિકમાં 9 ટકા વધીને રૂા. 2,009 કરોડ થયો હતો. એક વર્ષ અગાઉ કંપનીએ રૂા. 1,848 કરોડનો નફો નોંધાવ્યો હતો.  
કુલ આવક ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં રૂા. 10,032 કરોડ સામે આ ત્રિમાસિકમાં 16 ટકા વધીને રૂા. 11, 593 કરોડ થઇ હોવાની જાહેરાત કંપનીએ મંગળવારે કરી હતી. 
કંપનીના બોર્ડે શૅર દીઠ રૂા. 14ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી. કંપનીના ચૅરમૅન અને મૅનેજીંગ ડિરેક્ટર સંજીવ મહેતાએ કંપનીના ત્રિમાસિક પરિણામો વિષે ટિપ્પણી કરતા કહ્યું હતું કે પડકારરૂપ આર્થિક પરિસ્થિતિમાં અમારો વિકાસ હરિફાઇક્ષમ અને નફાકારક રહ્યો છે. 
હિન્દુસ્તાન યુનિલિવરે તેની પ્રોડક્ટ્સમાં વધારો કર્યો છે અને વપરાશકારો માટે ઉપયોગી નવીનીકરણ કર્યું છે. પોતાની બ્રાડન્સમાં કંપનીએ મોટું રોકાણ કર્યું છે, એમ પણ મહેતાએ જણાવ્યું હતું. 
મહેતાએ વધુમાં કહ્યું હતું કે અમારા અૉપરેશન્સ અને સર્વિસ કોવિડ અગાઉના સ્તરે આવી ગયા છે. અમારી કામગીરીમાં અમે ઝડપથી ડિજિટાઇઝેશન કરી રહ્યા છીએ. 
ગામડાઓની બજાર મજબૂત છે પણ શહેરો અને ખાસ કરીને મેટ્રો વિસ્તારોમાં માગ નબળી છે. અમે માનીએ છીએ કે ખરાબ પરિસ્થિતિ પસાર થઈ ગઈ છે અને માગની રિકવરી અંગે અમે આશાવાદી છીએ. 
સપ્ટેમ્બર 2020 ત્રિમાસિકમાં કંપનીનું વેચાણ રૂા. 11,510 કરોડ થયું હતું જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિકના રૂા. 9,931 કરોડ સામે 15.89 ટકા વધારો દેખાડે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer