1.5 લાખ ટન મગની આયાતનાં લાયસન્સ જારી

કઠોળની આયાતને ઝડપી બનાવવા તંત્ર સાબદું  
ડી. કે 
મુંબઇ તા. 20 નવે.
દેશમાં કઠોળનાં ભાવને કાબૂમાં રાખવાનાં પગલાં લઇ રહેલી કેન્દ્ર સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકારી એજન્સીઓ મારફતે ખરીદી પણ કરી રહી છે. એક તરફ 1.5 લાખ ટન મગની આયાતનાં લાયસન્સ ઇશ્યુ કર્યાબાદ સરકારે ખરીફ સિઝન માટે 54.10 લાખ ટન કઠોળ તથા તેલીબિયાંની ખરીદીની પણ પરવાનગી આપી હતી. જો કે નાફેડ હજુ સુધી 3853 ટન મગની જ ખરીદી કરી શક્યું છે. 
દિવાળી પહેલાં જ સરકારે 1.5 લાખ ટન મગની આયાત માટે લાયસન્સ ઇશ્યુ કર્યાં હતાં અને આયાતકારોને 31મી માર્ચ 2021 સુધીમાં મગનાં કન્ટેનર ભારતીય બંદરે પહોંચી જાય તે ગણતરી સાથે આયાત કરવાની પરવાનગી આપી હતી. હાલમાં ઇશ્યૂ કરાયેલાં લાયસન્સોમાં સીઆઇએફ વેલ્યુમાં ફેરફાર કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે. એ જ રીતે આયાતકાર માલ ઉતારવા માટે પોતાની અનુકુળતા પ્રમાણે બંદરની પસંદગી કરી શકશે. સરકારી આદેશમાં મિલ દીઠ 150 ટનની અનુમતિ અપાઇ છે અને કઇ મિલોને માલ પહોંચાડવો તેની યાદી પણ અપાઇ છે. 
આમ તો હાલમાં પૂર્વ આફ્રિકા, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા તથા મ્યાનમાર જેવા દેશોમાં મગનો સ્ટોક ઓછો હોવાથી ભારતીય આયાતકારોને મહદ અંશે ઉઝબેકિસ્તાનથી જ મગ આયાત કરવાના રહેશે. વૈશ્વિક બજારમાં હાલમાં ચીન ટન દીઠ 1110 ડોલરના ભાવે મગની ખરીદી કરી રહ્યું હોવાથી ઉઝબેકિસ્તાન ભારતને મગનો પુરવઠો બહુ મર્યાદિત પ્રમાણમાં ફાળવી શકશે .ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ મુંબઇ, ચેન્ન્ઇ તથા મુંદ્રા બંદરે જવાબદાર અધિકારીઓને આયાત થયેલા કઠોળનાં કન્ટેનરોને ઝડપથી ક્લિયરન્સ આપવાની વિનંતી કરી છે. થોડા સમય માટે આયાતકારો બિલ ઓફ એન્ટ્રીથી માંડીને ફૂડ ક્લિયરન્સ સુધીની અરજી અગાઉથી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 
સરકારે ગ્રાહકોને વાજબી ભાવે પૂરતા પ્રમાણમાં કઠોળ મળી રહે તે ઉપરાંત ખેડૂતોને પણ પડતર થાય તે માટે 54.10 લાખ ટન કઠોળ તથા તેલીબિયાંની ખરીદી કરવાની પણ સૂચના આપી છે. ક?ષિ મંત્રાલયે ખરીફ પાકમાં ખેડૂતો પાસેથી નવેમ્બરના પ્રારંભ સુધીમાં અગાઉના અંદાજ કરતા વધારે એટલે કે 125 ટકા કઠોળની ખરીદી કરી લીધી હતી. જો કે નાફેડે અત્યાર સુધીમાં 3853.71 ટન મગની ખરીદી કરી છે, જેમાંથી આશરે 2327 ટન મગ તો રાજસ્થાનમાંથી જ ખરીદાયા છે. જ્યારે હરિયાણામાંથી 1099 ટન તથા મહારાષ્ટ્રમાંથી 381 ટન મગની ખરીદી થઈ છે. હાલમાં બજાર ભાવ ટેકાના ભાવથી ઉપર ચાલતા હોવાથી ખેડૂતો પોતાનો માલ બજારમાં વેચે છે એટલે નાફેડ મોટાપાયે મગની ખરીદી કરી શક્યું નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer