અમદાવાદ આવતી-જતી તમામ એસટી બસો રદ્દ

અમદાવાદ આવતી-જતી તમામ એસટી બસો રદ્દ
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, રાજકોટ, 
તા. 20 નવે. 
દિવાળી પછી અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતાં આજ રાતથી 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. અમદાવાદમાં શનિવાર અને રવિવારે કરફ્યુ હોવાથી શહેરમાં આ બે દિવસ એએમટીએસ સેવા બંધ રહેશે. શુક્રવારે રાત્રે આઠ વાગ્યાથી એએમટીએસના પૈડા થંભી જશે. તેમજ બે દિવસ સુધી બસ સેવા બંધ રહેશે. આ ઉપરાંત, અમદાવાદમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન દરરોજ રાત્રે આઠ વાગ્યાથી એએમટીએસ બસો બંધ થશે. રાત્રિ કરફ્યુ દરમિયાન લોકોને રાતે આઠ વાગ્યા પહેલા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી લેવા તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.  
જોકે, કરફ્યુ દરમ્યાન પ્રવાસ કરી રહેલા યાત્રીઓ માટે રેલવે અને એરપોર્ટ તરફથી વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે 6 કલાકે કરફ્યુ પૂરો થઈ જશે પરંતુ રાત્રિના સમયથી ફરી કરફ્યૂ લાગશે. એટલે કે, અમદાવાદમાં સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુ આગામી સૂચના ન મળે ત્યાં સુધી યથાવત્ રહેશે. 
દરમ્યાન, શહેરમાં આવતી અને શહેરમાંથી રવાના થતી તમામ એસટી બસોને અટકાવી દેવામાં આવી છે. રાજકોટ, સુરત સહિત અન્ય સ્થળોએથી અમદાવાદ જતી તમામ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ અટકાવી દેવાઇ છે. શુક્રવારે બપોરે ત્રણ વાગ્યાથી કોઇ બસને અમદાવાદ કે ત્યાંથી થઇને રવાના થવા દેવાઇ નથી. એ જ રીતે અન્ય શહેરમાંથી રાજકોટ થઇને અમદાવાદ જતી બસો પણ અમદાવાદ જવાની નથી. 
રાજકોટથી અમદાવાદ જવા માટે એસ.ટી. બસ મહત્તમ સંખ્યામાં મળે છે. સાદી બસની સાથે દર કલાકે વોલ્વો બસ પણ દોડે છે. તે બધી જ બસ બંધ કરાઇ છે. સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી અમદાવાદ તરફ જતી અને રાજકોટ આવતી બસો પણ અટકાવી દેવામાં આવી છે.  
જોકે, અમદાવાદથી બાયપાસ જતી-આવતી બસોનું પરિવહન યથાવત્ ચાલુ રહેશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer