નવા વર્ષના ઊજળા આશાવાદ સાથે ધંધાની ફરી શરૂઆત

નવા વર્ષના ઊજળા આશાવાદ સાથે ધંધાની ફરી શરૂઆત
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 20 નવે.
નવું વિક્રમ સંવત શરું થઇ ગયું છે ત્યારે ધંધાનો આરંભ પણ હવે કમાણી કરાવનારો રહે તેવો આશાવાદ વેપારી આલમે દર્શાવ્યો હતો. કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે ધંધાને ભારે ફટકો પડયો છે. દિવાળી સિવાયના દિવસોમાં બજારોમાં ભારે સૂનકાર હતો પણ હવે માગ વધે તેવી આશા સૌ સેવી રહ્યા છે.  
એક તરફ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં રાત્રિ કરફ્યુ લગાવવો પડયો છે. હવે બીજા શહેરોમાં પણ ફેલાવો વધે તો ફરીથી કરફ્યુની સ્થિતિ સર્જાય તેમ છે.  તો બીજી તરફ આવનાર દિવસોમાં કોરોનાની અસર ઓછી થાય અને ધંધા રોજગારમાં પુન: બરકત આવે એવા વિશ્વાસ સાથે વેપારીઓએ પોતાના નવા વર્ષના ધંધા  શરું કરી દીધાં છે. 
વડોદરાના નવા બજારમાં વાસણનો ધંધા કરતા વેપારીએ જણાવ્યું હતું કે, વિદાય લેનાર સંવત 2076ના વર્ષમાં ધંધામાં મંદી રહી હતી. ધંધામાં મંદી રહેવા પાછળ કોરોના જવાબદાર હતો. પસાર થયેલા વર્ષમાં દિવાળીના અંતિમ દિવસ સુધી ઘરાકી નહતી. ધંધો નબળો રહેવા પાછળ બેરોજગારી પણ જવાબદાર છે.  
આ ઉપરાંત દેવ ઉઠી અગિયારસથી લગ્નસરાની મોસમ શરૂ થઈ રહી છે.આ વર્ષ લગ્નના મુર્હુત સારા છે. વેપારીઓને આશા છે કે , લગ્નસરાની મોસમમાં ધંધો  ઉચકાશે. પરંતુ જો આર્થિક મંદીમાં સુધારો નહીં થાય તો નાના મોટા વેપારીઓની હાલત ખરાબ થઈ જશે અનેક વેપારીઓ ધંધો બંધ કરી દેવા પડશે. અથવા તો ધંધા બદલવાની ફરજ પડશે. ધંધો ન થવાના કારણે શો રૂમના ભાડા, વીજ બિલ અને માણસોનો પગાર કાઢવો પણ મૂશ્કેલ થઈ જાય એવી સ્થિતિ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer