તેલનો ભરાવો ઓપેક અને અમેરિકાની ચાલને ડૂબાડી દેશે

તેલનો ભરાવો ઓપેક અને અમેરિકાની ચાલને ડૂબાડી દેશે
લંડન તા. 20 નવે.  
તેલબજારમાં ક્રૂડની રેમલછેલ છે. ઓપેક અને અમેરિકા જે પગલાં લેવા ધારે છે તેનાથી તેલની માગની સમસ્યા હલ નહિ થાય. મોટા ઉત્પાદકોને તેમનું ઉત્પાદન ઘટાડવાની ફરજ પડશે. કોરોનાની રસી શોધાય તો જ તેલના મંદ વપરાશનો પ્રશ્ન ઉકેલાય. 
કોરોનાના દર્દીઓની વિક્રમ સંખ્યા, યુરોપના અનેક દેશોમાં નવેસરથી લોકડાઉનની જાહેરાત અને અમેરિકામાં મર્યાદિત માર્ગવ્યવહારને લીધે આગાહીકારો તેલના વપરાશ અને ભાવમાં વધારો થવાના અંદાજો ઘટાડી રહ્યા છે. યુરોપનાં મહાનગરોમાં વાહનવ્યવહાર સાવ પાંખો પડી ગયો છે એટલે પેટ્રોલ અને ડીઝલની માગ તળિયે બેસી ગઈ છે.  
એસએન્ડપી પ્લેટ્સ એનાલિટિક્સે 2021માં તેલના સરેરાશ દૈનિક વપરાશના અંદાજમાં સાત લાખ બેરલનો ઘટાડો કર્યો છે. તેના મતે 2021માં તેલની દૈનિક માગમાં માત્ર 58 લાખ બેરલનો વધારો થશે. આનો અર્થ એ કે તેલનો એકંદર વપરાશ કોરોના અગાઉના સ્તરથી ઘણો નીચે રહેશે. ચીને છેલ્લા થોડા મહિનાઓથી તેલની બજાર પોતાના ખભે ઊંચકી લીધી છે. એ એક જ દેશ છે જ્યાં તેલનો વપરાશ વર્ષાનુવર્ષ વધવાની આશા છે, ભલે તે વધારો 0.3 ટકા જેવો નજીવો હોય. ભારતમાં પણ વાહનવ્યવહાર વધતો જાય છે, પરંતુ ત્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ મોટી (અમેરિકા પછી વિશ્વમાં બીજા ક્રમે) હોવાથી તેની તેલની માગ નબળી રહી છે.  
કોરોનાની રસી આવવાના સંકેતથી તેલઉદ્યોગમાં આશાનો સંચાર થયો છે, પણ હજી ઘણા પ્રશ્નો છે. રસીને ક્યારે મંજૂરી મળશે અને ક્યારે તે મોટા પાયે જનતા માટે ઉપલબ્ધ થશે તે કહેવું મુશ્કેલ છે.  
સમય  સરતો જાય છે અને તેની સાથે સુધારાની આશા પણ પાછળ ઠેલાતી જાય છે. ઓપેક અને તેના સાથી દેશોએ પોતાની યોજનાઓ પર ફેરવિચાર કરવો પડશે. તેલ ઉત્પાદક દેશો જાન્યુઆરીથી રોજના 20 લાખ બેરલ જેટલું વધારાનું તેલ બજારમાં લાવવાના હતા તે નહિ લાવે અને હાલનો 78 લાખ બેરલનો કાપ ચાલુ રાખે તેવો સંભવ છે. લીબિયાના પુનરાગમને તેલની સ્થિતિ વધુ ગૂંચવી છે. તેનું દૈનિક ઉત્પાદન સપ્ટેમ્બરના એક લાખ બેરલથી વધીને નવેમ્બરના પ્રારંભમાં દસ લાખ બેરલ થઇ ગયું છે. ઇરાકે તેનું ઉત્પાદન 37.9 લાખ બેરલ કરી દીધું છે.       
અમેરિકામાં નબળી માગને લીધે દૈનિક ઉત્પાદનમાં 30 લાખ બેરલનો ઘટાડો થયો છે. પરંતુ કેટલીક કંપનીઓએ નાદારી નોંધાવી છે, કેટલીકે સંશોધન અને ઉત્પાદન કાર્યને વેગ આપ્યો છે અને ઉદ્યોગમાં જોડાણ અને વિલીનીકરણની પ્રક્રિયા ચાલે છે એટલે સરવાળે ઉત્પાદનમાં વધારો થશે. નવા વરાયેલા પ્રમુખ જો બાયડને સ્વચ્છ ઉર્જા તરફ વળવાનો ઈરાદો જાહેર કર્યો છે પણ સેનેટ તેમાં અવરોધ નાખશે. દરમિયાન લાયસન્સધારી ઉત્પાદકો સંભવિત પ્રતિબંધના ભયે ઉત્પાદન વધારી રહ્યા છે.   
તેલ ઉદ્યોગમાં કહેવત છે કે તેલની મંદીનો ઉપાય તેલની મંદી જ છે. પરંતુ આ વખતે નીચા ભાવને લીધે તેલની માગ વધશે તેવા આશાવાદમાં કેટલાક નિરીક્ષકોને શંકા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer