સુરતમાં કોરોનાના 50 ટકાથી વધુ કેસ હીરા અને કાપડ બજારના છે
માસ્ક અંગે હજુ પણ જાગૃતિ નહીં હોવાથી સર્જાતી મુશ્કેલી
અમારા પ્રતિનિધિ તરફથી સુરત, તા. 27 નવે.
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે. ચાલુ સપ્તાહથી મનપાએ ટેસ્ટિગની સંખ્યા વધાર્યા બાદ શહેરમાં કેસ વધુ પ્રકાશમાં આવી રહ્યા છે. ચાલુ સપ્તાહમાં જેટલા કેસ નોંધાયા છે તેમાં 50 ટકાથી વધુ કેસ હીરા અને કાપડઉદ્યોગ સાથે સંકળાયેલી વ્યક્તિઓના છે. એ જોતા હીરા અને કાપડમાર્કેટમાં કોરોનાનું જોખમ વધારે જણાય રહ્યું છે. શહેરમાં રાત્રિ કફર્યુ લાગુ હોવાથી બન્ને ધંધા વહેલા બંધ થઇ જાય છે છતાં પણ લોકોમાં હજુ પણ માસ્કને લઇને જાગૃત્તિ આવી નથી. જાહેરમાર્ગો પર લોકો બિન્દાસ્ત માસ્ક વગર ફરી રહ્યા છે. માસ્ક નહિ પહેરનાર પાસેથી તંત્ર દ્વારા કડક દંડની ઉઘરાણી કરાતી હોવા છતાં લોકો સુધરતા ન હોવાનું લાગી રહ્યું છે. ગઇકાલે એક જ દિવસમાં તંત્રએ રેકોર્ડ બ્રેક રૂા. 2.62 લાખનો દંડ 4621 લોકો પાસેથી વસૂલ્યા હતો. શહેરમાં કુલ 172 જગ્યાએ કોરોનાનું ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે. કાપડમાર્કેટ અને હીરાબજારોમાં કોવિડ ટેસ્ટિગ સેન્ટરોમાં લોકો ટેસ્ટિગ માટે આવતાં અનેક લોકો સંક્રમિત હોવાનું ટેસ્ટમાં બહાર આવ્યું છે. એક જ દિવસમાં સુરત શહેર અને જીલ્લામાંથી 289 કેસ નોંધાયા હતા. અત્યાર સુધી સુરતમાંથી કુલ 42,528 કેસ નોંધાયા છે અને જેમાંથી 39784 લોકો કોરોનામુક્ત થયા છે. જ્યારે 1050 લોકોના કોરાનાથી મૃત્યુ થયા છે.
પાછલા કેટલાક દિવસોથી કોરોના જે કેસોની સંખ્યા પ્રકાશમાં આવી રહી છે તેમાંથી 50 ટકા કેસ કાપડ અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલાઓના છે. સુરત મનપા કમિશ્નરે ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે તાકીદ કરી માસ્ક, સેનીટાઇઝીંગમાં ઢીલાશ નહિ કરવા માટે આદેશ આપ્યો છે. દરેક શંકાસ્પદ દર્દીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવા તેમજ વધુમાં વધુ સંખ્યામાં લોકોને એન્ટીજન ટેસ્ટ કરવા માટે અપીલ કરી છે. મનપા દ્વારા સોશ્યલ મીડિયા મારફત વધુમાં વધુ ટેસ્ટિગ કરવાનું અભિયાન શરૂ કરાયું છે. જેના પગલે છેલ્લા બે દિવસથી કોવિડ ટેસ્ટિગ સેન્ટર પર લોકોએ લાઇનો લગાવી છે.