અૉડિયો ક્લિપના માધ્યમે કોરોના જાગૃતિની પહેલ

ગુજરાત ચૅમ્બર દ્વારા સ્થાનિક ઉદ્યોગપતિઓની અૉડિયો ક્લિપ તૈયાર કરાઈ 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 27 નવે. 
સદીની સૌથી મોટી આફત કોરોનાને ગણાવાય છે.આખી દુનિયા અત્યારે કોરોના સામે લડાઇ લડી રહી છે, હજુ પણ વેક્સિન ક્યારે આવશે તેની કોઇ ચોક્કસ તારીખ નથી છતાં પણ કોરોનાની સામે લોકોએ લડાઈ ચાલુ રાખી છે. 
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ કોરોનાની લડાઈને આગળ વધારવા અને લોકોમાં જાગૃતિ આવે તે માટે 22 ઉદ્યોગપતિઓના મુખે બોલાયેલી અપીલની ઓડિયો ક્લિપ જાહેર કરી છે. તેના માધ્યમથી લોકોને અપીલ કરીને કોરોનાને હરાવવા માટે કટિબદ્ધતા દર્શાવી છે. 
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે લોકોને અપીલ કરી છે કે 'જાગૃતિ સિવાય કોરોના સામે અત્યારે કોઈ ઉપાય નથી. લોકો માસ્ક પહેરે સામાજિક અંતર જાળવી અને આગળ વધે તો જ કોરોનાને હરાવી શકાશે.' 
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફૂડ-ડેરી અને એફએસએસએઆઈ કમિટી દ્વારા આ લોકજાગૃતિનું આ કાર્ય કરવામાં આવ્યું છે. કુલ 22 જેટલા સ્થાનિક ઉદ્યોગપતિઓએ ઓડિયો માધ્યમથી જાગૃતિ ફેલાવવા આગળ આવ્યા છે અને પોતાનો સંદેશો આપ્યો છે. 
કમલેશભાઈ કંદોઈ, રાજેશભાઈ શાહ, અશ્વિનભાઈ નાયક, અંકિતભાઈ મહેતા, કુણાલ ઠાકર વગેરે અગ્રણીઓએ પોત પોતાનો સંદેશો આપ્યો છે.ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઓડિયો ક્લિપ ને સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતી કરવામાં આવી છે. `જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં` આ સૂત્ર સાથે લોકજાગૃતિનું કાર્ય કરવામાં આવ્યું છે. 
ઓડિયો ક્લિપમાં ધંધા-રોજગાર સલામતી સાથે ચાલુ રાખવા અને લોકોને પણ સમજાવવા માટે અપીલ કરવામાં આવી છે. આખા ગુજરાતની સૌથી મોટી વેપારી સંસ્થા દ્વારા આ પ્રકારની અપીલ આવકાર્ય છે કારણકે ધંધા બંધ નથી રાખવાના પરંતુ સાથે સલામતી પણ એટલી જ જરૂરી છે તેવું મેસેજમાં કહેવામાં આવ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer