ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળના પ્રમુખ જયેન્દ્ર શાહની માગ
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા 27 નવે.
નાના ઉદ્યોગો અને બિનસંગઠિત ક્ષેત્રને લાભ થાય તે માટે નરેગા જેવી કોઇ યોજના સરકારે શહેરી વિસ્તારના ઉદ્યોગો માટે પણ લાવવી જોઇએ તેવી માગ ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળના પ્રમુખ જયેન્દ્ર શાહે કરી છે. તેમણે કહ્યું કે, ઉદ્યોગોની સ્થિતિ અત્યારે લોકડાઉન ખૂલ્યા પછી થોડી સુધરી છે પણ માર્ચ બાદ જ તેમાં ચમકારો જોવા મળી શકે તેમ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ રોજગારી 70 ટકા અને આ રોજગારી થકી દેશના જીડીપીમાં 55 ટકા હિસ્સો ગ્રામીણ ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગનો હોય છે. વડાપ્રધાને ભારતને આત્મનિર્ભર બનાવવાનો નિર્ણય લીધો તે આવકાર દાયક છે. જેથી દેશના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને પરદેશ પર આપણા ઉદ્યોગોને નિર્ભર રહેવુ પડે તેમજ મોંઘા ભાવના હૂંડીયામણની બચત થાય તેમ છે.
આખા દેશમાં 20,000 નાના અને લઘુ ઉદ્યોગો છે તેમના માટે જે બજેટ ફાળવ્યું છે તે જીડીપીનું દસ ટકા બજેટ છે. જે ઘણી સારી બાબત છે. પરંતુ આ ફાળવણી જે લઘુ અને ગૃહ ઉદ્યોગને નિચલા સ્તર સુધી તેનો લાભ મળતો નથી. જેનાથી લઘુ તેમજ ગૃહ ઉદ્યોગોને કોઈ જ ફાયદો થયો નથી. બજારમાં ખરીદનારની માગ નથી તેમજ ઉદ્યોગકારો પાસે ફાજલ ફંડ પણ ન હોવાથી વધારાનું ઉત્પાદન કરી સ્ટોર કરી શકતા નથી. રાજયમાં પણ અત્મનિર્ભરતની વાતો થાય છે પણ જીઆઈડીસી, પર્યાવરણ વિભાગના અમલદારો એમાં કોઈ રીતે મદદરૂપ થતાં નથી. તેઓ તેમની અમલદાર શાહી ચલાવે છે.
પરદેશમાં જેમ ઉદ્યોગને પ્રોત્સાહન તરીકે કેશ બેનીફીટ અપાય છે તેવી રીતે આપણાં દેશમાં પણ વિચારવું જોઈએ. જીએસટીના ઉંચા દર ઘટાડવા અમે સરકારને રજૂઆત કરી છે. જો ઘટે તો લાભ થાય.