ટેકાના ભાવ વધતાં સરકારી ખરીદી માટે ખેડૂતો આશાવાદી
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 27 નવે.
શિયાળુ પાકોમાં ઘઉંનું વાવેતર કરવાનો ખેડૂતોને સામાન્ય રીતે ઉત્સાહ હોય છે પણ આ વર્ષ એવું નથી થયું. ચણાનો ઉંચો ભાવ મળવાને લીધે ગુજરાતમાં આ કઠોળનું સર્વોચ્ચ વાવેતર થવાના એંધાણ મળી રહ્યા છે. ગુજરાતમાં ચણાનો વાવેતર વિસ્તાર સામાન્ય કરતા 22 ટકા જેટલો ઉંચકાઇ ગયો છે. હજુ પંદરેક દિવસ વાવેતર ચાલુ રહેવાનું છે એ જોતા ટોચનું વાવેતર થશે એમા શંકા નથી.
ગુજરાતમાં રવી પાકોનું કુલ વાવેતર 17.29 લાખ હેક્ટરમાં થયું છે. એમાંચણાનો હિસ્સો 3.57 લાખ હેક્ટર જેટલો અર્થાત 20 ટકા કરતા વધારે રહ્યો છે.
કૃષિ ખાતાના આંકડાઓ પ્રમાણે 3.57 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે. જે પાછલા વર્ષે 23 નવેમ્બરે ફક્ત 80 હજાર હેક્ટર આસપાસ હતુ. ચણાનો સામાન્ય વિસ્તાર અગાઉના ત્રણ વર્ષની સરેરાશ પ્રમાણે 2.91 લાખ હેક્ટર રહેતો હોય છે. જે ખૂબ વધી ગયો છે.
અભ્યાસુ ખેડૂત રમેશ ભોરણીયા કહે છે, સરકારે ટેકાનો ભાવ મણે રૂા. 45 જેટલો વધારીને રૂા. 1020 કરી નાંખ્યો છે એ કારણે ખેડૂતોને ભારે આકર્ષણ જાગ્યું છે. પ્રવર્તમાન સમયે માર્કેટ યાર્ડોમાં ચણાનો ભાવ રૂા. 890-1045 સુધી ઉપજે છે. જે ખરેખર આકર્ષક છે.
તેમણે કહ્યું કે, અત્યારે તો સૌરાષ્ટ્રમાં જ્યાં જૂઓ ત્યાં ચણાના વાવેતર જ દેખાય છે. એનું કારણ પણ એ છેકે ચણાની માવજત પણ સરળ છે. પોપટાં બેસે ત્યારે ઇયળોનું નિયંત્રણ કરવામાં આવે તો વાંધો આવતો નથી. ચણાના પાક પર એકમાત્ર જોખમ કમોસમી વરસાદનું હોય છે. એમાંથી પાક બચી જાય તો આશરે 15થી 25 મણ સુધીના ઉતારા સરળતાથી મળે છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં 2.69 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે. જૂનાગઢ વિસ્તારમાં 50 હજાર હેક્ટર કરતા વધારે વાવેતર છે. એ સિવાય સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં 25-35 હજાર હેક્ટરમાં વાવણી થઇ શકી છે.
ચણાના વાવેતર વધવા પાછળ ઉંચો ભાવ કારણરુપ છે. ગયા વર્ષમાં નાફેડ દ્વારા મોટાંપાયે ખરીદી કરવામા આવી હતી. એ ચણા પછીથી સરકારી યોજનાઓમાં રેશનીંગ મારફતે અપાયા હતા. હજુ નવા વર્ષમાં પણ અપાય તો સરકાર વધુ ખરીદ કરશે તેમ માનવામાં આવે છે.
ગુજરાતમાં ઘઉંના વાવેતરમાં હજુ એટલો ઉત્સાહ દેખાયો નથી. રાજ્યમાં 3.16 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે પાછલા વર્ષમાં આ સમયે 1.70 લાખ હેક્ટર હતુ. ઘઉંનું સરેરાશ વાવેતર 10.86 લાખ હેક્ટરમાં થાય છે.
રવી પાકોનું વાવેતર હવે ધીરે ધીરે વેગ પકડશે. કારણકે હજુ વીસ દિવસ સુધી થવાનું છે. એમાં ઘઉં અને જીરાના વાવેતરમાં વધારો જોવા મળશે. ધાણાનું વાવેતર પણ સારું થાય તેવી શક્યતા દેખાય છે.
ચણાનું વિક્રમ વાવેતર થવાની સંભાવના
