લગ્નપ્રસંગો માટે રાત્રી કર્ફ્યુમાં છૂટછાટ આપવા માગ

લગ્નપ્રસંગો માટે રાત્રી કર્ફ્યુમાં છૂટછાટ આપવા માગ
મંડપ, ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીઓ, હૉટેલ, કેટરીંગ સહિતના ધંધા ઉપર પ્રભાવ 
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 27 નવે.  
ચાર મહાનગરોમાં રાત્રિ કફર્યુ લગાવતા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને મોટું નુકશાન થયું છે. લોકડાઉન અને ત્યારબાદના કેટલાક મહિનાઓ સુધી વેડીંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને મોટું નુકશાન પહોંચ્યું છે. દિવાળી બાદ શરૂ થતી લગ્નસરાની સીઝનથી વેપારની ખોટ સરભર થવાની આશા જાગી હતી. પરંતુ, સરકારના નિર્ણય બાદ મંડપ, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ, હોટેલ, કેટરીંગ સહિત સંપૂર્ણ ઇવેન્ટ ઉદ્યોગને મોટો ફટકો પહોંચ્યો છે. કેટરીંગ, મંડપ, સાઉન્ડ અને લાઇટીંગ એસોસીએશન સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ એકત્ર થઇને સુરત જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લગ્ન સહિતના પ્રસંગો માટે રાત્રિના 12.30 કલાક સુધી મંજૂરી આપવાની માગ કરી છે.  
લોકડાઉનના માર્ચથી ઓકટોબર સુધી માં અંદાજે 1200 કરોડ રૂપિયાનું નુકશાન ઉદ્યોગને થયું છે. ઇન્ડસ્ટ્રીના અસંખ્ય લોકોએ આજીવિકા ગુમાવી છે અને ધંધાર્થીઓને પણ સતત નુકશાન થઇ રહ્યું છે. કોરોના મહામારીમાં સરકારના વારંવારના બદલાતા નિયમોથી સમગ્ર ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની કમર તૂટી છે. દક્ષિણ ગુજરાતના 1,50,000થી વધુ કંપનીઓ અને 7 લાખથી  વધુ વ્યક્તિઓનો વેપાર-ધંધો સંપૂર્ણપણે જોખમમાં મુકાયો છે. 
સરકાર દ્વારા વિવિધ વ્યવસાયો અને વેપાર-ધંધા માટે  સહાય પેકેજો આપવામાં આવે છે. ત્યારે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનો ઉલ્લેખ સરકાર દ્વારા ક્યારેય કરવામાં આવતો નથી. સરકાર દ્વારા સતત ઓરમાયું વર્તન ઉદ્યોગ સાથે કરવામાં આવી 
રહ્યું છે.  
સંચાલકોએ કહ્યું કે, અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પણ પ્રસંગો માટે એકસરખુ વલણ અપનાવવામાં આવે અને પ્રસંગોમાં મૂહર્તનું મહત્વ દરેક સમાજ દ્વારા પાળવામાં આવે છે. એવા સંજોગોમાં લગ્નપ્રસંગોની રાત્રે 12:30 સુધી મંજૂરી આપવામાં આવે તેમજ વાહન અને પરિવહન માટે વિશેષ પરવાનગી આપવામાં આવે. જો સત્વરે યોગ્ય નિર્ણય સરકાર નહિ લે તો આગામી દિવસોમાં દેશવ્યાપી ચળવળ શરૂ કરવાની ચીમકી સંગઠને ઉચ્ચારી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer