સ્ટીલની આયાત પરનાં નિયંત્રણોથી મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રને ગંભીર અસર

સ્ટીલની આયાત પરનાં નિયંત્રણોથી મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રને ગંભીર અસર
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 27 નવે.  
ચીન, ઇન્ડોનેશિયા અને કોરિયા સહિતના દેશોથી સ્ટીલની (મુખ્યત્વે એચઆર કોઇલ્સ, સીઆર કોઇલ્સ અને કોટેડ શીટ્સની) આયાત લગભગ બંધ થઈ જવાથી સ્થાનિક એમએસએમઈ ક્ષેત્રને મોટું નુકસાન થવા લાગ્યું છે. ઉદ્યોજક સૂત્રોના જણાવ્યા પ્રમાણે સસ્તા પતરા (લોખંડ કોઇલ્સ)ની આયાત કરીને તેમાંથી વિવિધ પ્રોડક્ટો બનાવીને અને નિકાસ સુધ્ધાં કરનારા હજારો લઘુ અને નાના મેન્યુફેક્ચરરોની કમાણી પડતર ઉંચી થવાથી ધોવાઈ ગઈ છે. એક સ્થાનિક લોખંડ સપ્લાયરે જણાવ્યું કે દેશના પ્રાઇમરી સ્ટીલ ઉત્પાદકોએ ભાવમાં જંગી વધારો કરવાનો જે માર્ગ લીધો છે તે મેન્યુફેક્ચારિંગ ક્ષેત્ર માટે અત્યંત ઘાતક છે.  
છેલ્લા અહેવાલ પ્રમાણે સ્થાનિક બજારમાં જીપી શીટ્સનો ભાવ ટન દીઠ રૂા. 54,000 અને સીઆર શીટ્સનો રૂા. 59,000 ક્વૉટ થવાથી સપ્લાયર અને મેન્યુફેક્ચરરોની તમામ ગણતરી ઉંધી વળી ગઈ છે. બેથી ત્રણ મહિના અગાઉ મોટા વપરાશકારોના ઓર્ડર લેનાર લઘુ મેન્યુફેક્ચરરોને ઓર્ડરના નક્કી કરેલા ભાવમાં 10થી 20 ટકાની ખોટનો વારો આવવાથી તેમની હાલત કફોડી છે. વપરાશકારો નક્કી થયા કરતાં વધુ ભાવ આપવા તૈયાર નથી. બીજી તરફ સંખ્યાબંધ ઉદ્યોજકોના અગાઉના પેમેન્ટ ભાવફરકને લીધે રોકાઈ ગયાં છે એમ બજાર સૂત્રોએ જણાવ્યું હતું. લોખંડના અગ્રણી આયાતકારે જણાવ્યું કે `કેન્દ્ર સરકારને આયાત થકી દૈનિક ધોરણે મળતી કરોડો રૂપિયાની આયાત જકાતની આવક સદંતર બંધ થવાથી મહેસૂલી ખાધ વધી છે.  
સ્થાનિકમાં આયાતી શીટ્સમાંથી વિવિધ ચીજોનું ઉત્પાદન કરનાર એક લોખંડ પ્રોડક્ટ મેન્યુફેક્ચરરે કટાક્ષમાં જણાવ્યું કે સરકાર આત્મનિર્ભર નહીં પરંતુ એમએસએમઈ માટે આત્મઘાતક નિર્ણયો લઈ રહ્યાનો સંકેત મળે છે.  
બોમ્બે આયર્ન મર્ચન્ટ્સ ઍસોસિએશન (બીમા)ના ભૂતપૂર્વ પ્રમુખ અનિશ વળીયાએ જણાવ્યુ કે `અનેક આયાતકારો અને સપ્લાયરોનો ધંધો લગભગ પડી ભાંગ્યો છે. બીજી તરફ સીમિત સ્વદેશી ઉત્પાદકોને લીધે ઇજારા શાહીનો માહોલ ઉભો થયો છે. આવા વાતાવરણમાં ઉંચા ભાવે રોકડેથી ખરીદીને ઉધારીમાં સપ્લાય કરનાર ક્યાં સુધી ટકી શકે? સરકારે લોખંડ જેવી અત્યંત જરૂરી પ્રોડક્ટના આયાતના તમામ નિયંત્રણો અંગે ફેરવિચારણા કરવી જોઇએ.'

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer