ઔદ્યોગિક ધાતુઓમાં ગોઠવાતો તેજીનો તખતો

ઔદ્યોગિક ધાતુઓમાં ગોઠવાતો તેજીનો તખતો
મુંબઈ, તા. 27 નવે.
કોરોના મહામારી દરમિયાન અનેક ધનિક દેશોએ પ્રોત્સાહન પૅકેજો જાહેર કરતાં ડૉલર નબળો પડવાની ધારણાથી ઔદ્યોગિક ધાતુઓમાં 2021માં પણ તેજી જળવાઈ રહેવાનો તખતો ગોઠવાઈ રહ્યો છે.
તાંબુ, જસત અને નિકલમાં છેલ્લા આઠ મહિનાથી ભાવ વધવા તરફી રહ્યા છે. કેમ કે ડૉલર નબળો પડવાથી અન્ય ચલણો ધરાવનારાઓ માટે ચીજવસ્તુઓ સસ્તી બની છે. દક્ષિણ અમેરિકાના દેશોમાં કોરોનાના પ્રકોપને કારણે અમુક ધાતુઓમાં પુરવઠો તંગ બનતાં તેજીનો ટેકો મળી ગયો હતો.
તાજેતરમાં અગ્રણી દવા કંપનીઓએ કોરોનાની રસીના પરીક્ષણમાં ઉત્સાહજનક સફળતા મળી હોવાની જાહેરાતને પગલે ક્રૂડ તેલ અને ઔદ્યોગિક ધાતુઓ જેવી જોખમી જણસોમાં સેન્ટિમેન્ટ મક્કમ થઈ ગયું છે.
`તાંબાનો ભાવ આવતા ચાર પાંચ મહિનામાં 7500 ડૉલરને પાર કરી જશે એવી અમારી ધારણા છે. દુનિયામાં તાંબાના સૌથી મોટા વપરાશકાર ચીનમાં માગ સુધરી રહી છે અને અનેક દેશોમાં જાહેર થયેલાં પ્રોત્સાહન પૅકેજોને કારણે ભાવને ટેકો મળે જશે,' એમ રિલાયન્સ સિક્યોરિટીઝના એનાલિસ્ટ શ્રીરામ આયરે જણાવ્યું હતું. અત્યારે તાંબાનો ભાવ લંડન મેટલ એક્સચેન્જ પર 7000 ડૉલર આસપાસ ફરે છે. સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી નિકલમાં 2021માં જોરદાર તેજીની ધારણા છે. માળખાકીય પ્રોજેક્ટોમાં અન્ય ધાતુઓને બદલે કાટ ન ખાનારી નિકલનો વપરાશ વધી રહ્યો છે. ચીનમાં હરિત ઊર્જા તરફના ઝોકની સાથે ઇલેક્ટ્રીક વાહનોની માગમાં પણ વધારો થવાનો સંભવ છે. તેને માટે ચાર્જિંગ સ્ટેશનો સ્થપાશે એટલે નિકલની માગ વધશે એમ મોતીલાલ ઓસવાલના નવનીત દામાણીએ કહ્યું હતું.
નિકલના ભાવ હાલના 15,700 ડૉલરથી વધીને વર્ષના અંત સુધીમાં 17,000 ડૉલર અને 2021માં 19,000-19,500 ડૉલર થવાની ધારણા છે.
જસત અને સીસામાં સામસામા પ્રવાહો જોવાશે એવો અંદાજ છે. કોરોનાને કારણે માર્ચ, એપ્રિલ અને જૂનમાં ખાણો બંધ રહેવાથી અને પરિવહનની મુશ્કેલીને કારણે જસતના ભાવ વધી ગયા હતા. પરંતુ હવે માગની નબળાઇને લીધે બજારમાં દસેક લાખ ટનનો ભરાવો થતાં જસતમાં પ્રત્યાઘાતી ઘટાડાની શક્યતા વધી ગઈ છે, એમ દામાણીએ કહ્યું હતું.
સીસાના ભાવ આ વર્ષે ખાસ વધ્યા નથી. જસત અને સીસું એક જ ખાણમાંથી નીકળતા હોવા છતાં આ વર્ષે વાહનોની અને બેટરીની માગ નરમ હોવાથી સીસાના ભાવ ટકેલા પડયા છે.
એલ્યુમિનિયમના ભાવ છેલ્લા થોડા દિવસમાં ફન્ડામેન્ટલ્સના પ્રમાણમાં ઘણા વધી ગયા છે, પરંતુ તેમાં પુરવઠાની છૂટ થઈ ગઈ હોવાથી 2021ના પ્રથમ છ મહિનામાં એલ્યુમિનિયમમાં પ્રત્યાઘાતી ઘટાડો આવવાનો સંભવ છે એમ દામાણીએ કહ્યું હતું. એલ્યુમિનિયમ હાલ એલએમઈ ઉપર 1930 ડૉલર જેવું બોલાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer