રૂમ ટેમ્પરેચરે થોડી મિનિટમાં કૃત્રિમ હીરા બની જશે

રૂમ ટેમ્પરેચરે થોડી મિનિટમાં કૃત્રિમ હીરા બની જશે
અૉસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોની શોધ 
મધુ બારભાયા 
રાજકોટ, તા. 27 નવે.
આજે દુનિયામાં સૌથી વધુ લક્ઝરી આઇટમ તરીકે કુદરતી હીરા ગણાય છે. દરેક વ્યક્તિને હીરા ગમે છે છતાં દરેકને કુદરતી હીરા ખરીદવા પરવડે નહીં, ત્યારે સસ્તા અને દરેકને પોષાય તેવા હીરા બનાવવાના પ્રયાસ છેક 1950ના દાયકાથી ચાલુ છે. આ સ્થિતિની વચ્ચે અૉસ્ટ્રેલિયાની યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રૂમના તાપમાને મિનિટોની અંદર કૃત્રિમ હીરા બનાવીને આશ્ચર્ય સર્જ્યું છે. 
પ્રકૃતિમાં, હીરા અબજો વર્ષો પહેલા તીવ્ર ગરમી અને દબાણની સ્થિતિમાં પૃથ્વીના પોપડાની નીચે રચાયા હતા. લાક્ષણિક રીતે, હીરા પૃથ્વીની સપાટીથી નીચે લગભગ 150થી 200 કિલોમીટરની ઊંડાઈ પર રચાય છે, જ્યાં તાપમાન સરેરાશ 900 થી 1300 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને દબાણ સપાટી પર હોય તેના કરતાં 50000 ગણું વધારે હોય છે. આ જ કારણ છે કે હીરાને ખૂબ જ પસંદ કરવામાં આવે છે, તેમને વિશેષ પરિસ્થિતિઓમાં બનાવવામાં લાખો વર્ષોનો સમય લાગ્યો હોય છે. 
પરંતુ હવે અૉસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓ માત્ર થોડી મિનિટોમાં હીરા બનાવી શકે છે - અને રૂમના તાપમાને બનાવી શકે છે. 
હીરા ખૂબ જ દુર્લભ હોવાથી, ભૂસ્તરશાસ્ત્રીઓ કૃત્રિમ હીરા બનાવવા માટેની પદ્ધતિઓ વિકસાવવાની માગ કરતા હતા. માત્ર 1950ના દાયકામાં જ સ્વીડીશ અને અમેરિકન વૈજ્ઞાનિકોએ શોધ્યું હતું કે ગ્રેફાઇટ અને પીગળેલા લોખંડને કૃત્રિમ હીરામાં કેવી રીતે રૂપાંતરિત કરવા અને જુલ્સ વર્નની સાહિત્યિક આગાહીને પરિપૂર્ણ કરવી. 
કૃત્રિમ હીરા બનાવવા માટેની ઉદ્યોગમાં વપરાતી સૌથી સામાન્ય પદ્ધતિને ઉચ્ચ દબાણ, ઉચ્ચ તાપમાન (એચપીએચટી) કહેવામાં આવે છે. એચપીએચટી દરમિયાન, અબજો વર્ષો પહેલા હીરામાં ફેરવાતા કાર્બનને કાર્બનના સમાન ઉચ્ચ તાપમાન અને દબાણ આપવામાં આવે છે. 
અૉસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી (એએનયુ) અને મેલબોર્નની આરએમઆઇટી યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રીઓએ તેમના નવા અભ્યાસમાં જણાવ્યું છે કે તેઓ કેવી રીતે બે પ્રકારના હીરા બનાવે છે. એક પ્રકારમાં દાગીનામાં વપરાતા હીરાના સમાવેશ થાય છે, બીજો સામાન્ય પ્રકારથી વધુ સખત છે જે ઉલ્કાના પ્રભાવ હેઠળ બને છે જેને લોન્સડેલાઇટ કહેવામાં આવે છે. 
આશ્ચર્યજનક બાબત એ છે કે બંને પ્રકારના હીરા અૉસ્ટ્રેલિયાના ભૌતિકશાસ્ત્રીઓ દ્વારા રૂમના તાપમાને પેદા કરવામાં આવ્યા હતા, જે એક મોટી સિદ્ધિ છે, ખાસ કરીને દુર્લભ લોન્સડેલાઇટ જાત માટે, જે સામાન્ય હીરા કરતા 58% વધુ સખત હોય છે. જોકે, ભૌતિકશાસ્ત્રીઓને કાર્બનના અણુઓ પર ભારે દબાણ આપવું પડ્યું હતું. 
એએનયુના પ્રોફેસર જોડી બ્રેડબીએ કહ્યું હતું કે મહત્ત્વની બાબત એ છે કે અમે આટલું ભારે દબાણ કેવી રીતે લાગુ કરીએ છીએ. `ખૂબ ઉચ્ચ દબાણની સાથે, અમે કાર્બન ઉપર `શીઅર' નામે ઓળખતા બળનો પ્રયોગ કરીએ છીએ, અમને લાગે છે કે આનાથી કાર્બન અણુઓને તેના સ્થાનેથી ખસેડવાનો અને લોન્સડેલાઇટ અને સામાન્ય હીરા રચાવાનો અવકાશ મળે છે.' 
હીરામાંથી નાના ટુકડાઓ કાપીને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હેઠળ મૂકવામાં આવ્યા હતા જેથી સંશોધકો તેની રચના અને તે કેવી રીતે રચાય છે તે વધુ સારી રીતે સમજી શકે.  
આ કૃત્રિમ હીરા દાગીનાઓમાં ઉપયોગમાં લેવા માટે નથી. જોકે, સગાઈની વીટીમાં તેનો ઉપયોગ કરવામાં કંઇ ખોટું નથી. જોકે, આ હીરાનો ઉપયોગ ઔદ્યોગિક વપરાશ માટે છે કે જ્યાં કઠોર સામગ્રીને કાપવાની જરૂર હોય છે અથવા રક્ષણાત્મક શીલ્ડ તરીકે વાપરવાની જરૂર હોય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer