બજેટ ખાધ મૂળ અંદાજના 120 ટકા થઈ

બજેટ ખાધ મૂળ અંદાજના 120 ટકા થઈ
ચાવીરૂપ ઉદ્યોગોની પીછેહઠ
એજન્સીસ                    નવી દિલ્હી, તા. 27 નવે.
વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં જ કેન્દ્ર સરકારની બજેટ ખાધ આખા વર્ષ માટેની જોગવાઈથી વીસેક ટકા વધી ગઈ છે. એપ્રિલ-અૉક્ટોબર દરમિયાન બજેટ ખાધ રૂા. 9.53 લાખ કરોડ હતી, જે રૂા. 7.96 લાખ કરોડના મૂળ અંદાજના 119.7 ટકા થવા જાય છે. આ સાત મહિનામાં રૂા. 7.08 લાખ કરોડની આવક (વાર્ષિક અંદાજના 31.54 ટકા) સામે સરકારનો ખર્ચ રૂા. 16.61 લાખ કરોડ (વાર્ષિક અંદાજના 54.61 ટકા) હતો.
આર્થિક પ્રવૃત્તિ માટે ચાવીરૂપ ગણાતા આઠ ઉદ્યોગોનું એકંદર ઉત્પાદન અૉક્ટોબરમાં વર્ષાનુવર્ષ 2.5 ટકા ઘટી જતા આર્થિક સુધારણા ટકવા વિશે શંકાકુશંકા પેદા થઈ છે. સપ્ટેમ્બરમાં ક્રૂડતેલ, નેચરલ ગૅસ, પેટ્રોલિયમ પેદાશો, સ્ટીલ, સિમેન્ટ, ખાતર અને વીજળીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે માત્ર 0.1 ટકો ઘટયું હતું. આ સુધારાની અસર ઔદ્યોગિક ઉત્પાદનના આંકમાં પણ જોવા મળી હતી. આ આઠ ઉદ્યોગો ઔદ્યોગિક ઉત્પાદનના આંકમાં 40.27 ટકા ભારાંક ધરાવે છે.
કોલસો, ખાતર, સિમેન્ટ અને વીજળીના ઉત્પાદનમાં અૉક્ટોબરમાં વધારો થયો હતો, જ્યારે ક્રૂડતેલ, નેચરલ ગૅસ, પેટ્રોલિયમ પેદાશો અને સ્ટીલના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. એપ્રિલ-અૉક્ટોબર દરમિયાન આ ઉદ્યોગોના ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 13 ટકાનો ઘટાડો નોંધાયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer