ભવન્સમાં રોજગારલક્ષી નવા અભ્યાસક્રમો શરૂ કરાયા

કોવિડ બાદની સ્થિતિને જોતાં 
મુંબઇ/અમદાવાદ, તા. 12 જાન્યુ. 
કોવિડ બાદ ઊભી થયેલી નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય વિદ્યાભાવન સંચાલિત હરિલાલ ભગવતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ કમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ (એચ.બી.આઇ.સી.એમ.) હવે વ્યવસાયલક્ષી કૌશલ્ય શીખવા માટે પાર્ટ-ટાઇમ અભ્યાસક્રમો શરૂ કરી રહી છે. ભવન્સે જણાવ્યું છે કે દરેક અભ્યાસક્રમમાં તેને સંલગ્ન ઉદ્યોગો અને ઉદ્યોગ સંગઠનોને ભાગીદાર બનાય અને વર્તમાન અને ભાવિ જરૂરિયાતોને પહોંચી વળાય તે કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. આમ કરવાથી ઉદ્યોગોને કુશળ માનવશ્રમ સરળતાથી મળી રહેશે અને યુવાનોને રોજગારી મળવાની તક પણ વધી જશે. 
ઉદ્યોગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોર્સમાં આઈ.ટી. એસોસિએશન `ગેસિઆ' જે ગુજરાતમાં આઇટી, આઇટીઇએસ અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝનું પ્રતિનિધિત્વ કરે છે, તેની સાથે એમઓયુ કરવામાં આવ્યું છે, તેમજ ડિજિટલ માર્કાટિંગ એજન્સીઝનો સાથ પણ લેવામાં આવી રહ્યો છે.   
આ કંપનીઓ અને સંસ્થાઓ અભ્યાસક્રમ તૈયાર કરી સમયાંતરે તેને અદ્યતન બનાવવામાં ભવન્સની મદદ કરશે. તેઓ પોતાના નિષ્ણાતોને ફેકલ્ટી તરીકે પણ મોકલશે, અને વિદ્યાર્થીઓને તાલીમ તેમજ ઇન્ટર્નશિપ આપશે અને અભ્યાસક્રમના અંતમાં પ્લેસમેન્ટ્સમાં પણ ભાગ લેશે. 
કોવિડ-19ની અભૂતપૂર્વ મહામારીને જોતાં તબીબી ક્ષેત્રમાં આવેલા અને આવનારા બદલાવને ધ્યાનમાં રાખીને છ મહિનાનો હોસ્પિટલ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ જાન્યુઆરી 2021થી શરૂ કરાઈ રહયો છે. દવાના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે. આથી દવાના વેચાણ માટે ફાર્માસ્યુટિકલ સેલ્સ એન્ડ માર્કાટિંગ માટે યુવાનોની પુષ્કળ માંગ અને ઉજ્જ્વળ કારકિર્દીના અવકાશને ધ્યાનમાં રાખીને ભવન્સ એચબીઆઇસીએમે ફાર્મા સેલ્સ એન્ડ માર્કાટિંગનો ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.  
ભવન્સ એચબીઆઇસીએમના ટ્રસ્ટી મંડળના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ઝડપથી બદલાતી પરિસ્થિતિમાં પણ ઉદ્યોગો, મીડિયા અને અન્ય ક્ષેત્રોને તેમની જરૂરિયાત મુજબના વ્યાવસાયિકો મળી રહે તેવો આશય આ નવા અભ્યાસક્રમોનો છે. 
માનદ સેક્રેટરી પ્રકાશ ભગવતીએ કહ્યું કે, સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પણ પોષાય તેટલી ઓછી ફી લઈને, પણ જે તે ક્ષેત્રના શ્રેષ્ઠ વ્યાવસાયિકોની સમકક્ષ બનાવે તેવી ગુણવત્તાવાળી અને સાંપ્રત જરૂરિયાતો મુજબની તાલીમ આપવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer