ચીનમાં કોરોનાનું સંક્રમણ વધતાં ક્રૂડ તેલમાં વધુ નરમાઈ

સિંગાપોર, તા. 12 જાન્યુ.
કોરોના સંબંધી ચિંતાઓ ઘેરી બનતાં તેલમાં વધુ નરમાઈ આવી છે. યુરોપમાં કડક લૉકડાઉન અને ચીનમાં કોરોનાના સંક્રમણમાં વધારો થવાથી પરિવહન અને પ્રવાસ પર નવાં નિયંત્રણો આવવાથી તેલની આંતરરાષ્ટ્રીય માગ વિશે ચિંતા છે. 
બ્રેન્ટ ક્રૂડ વાયદો ચાર દિવસ સતત વધ્યા પછી સોમવારે 43 સેન્ટ ઘટીને 55.58 ડોલર અને અમેરિકન ડબ્લ્યુટીઆઈ વાયદો 22 સેન્ટ ઘટીને 52.02 ડોલર બોલાતો હતો. મંગળવારે નીચા મથાળેથી સાધારણ  સુધારો હતો.
એશિયામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ચીનના હિબેઈ પ્રાંતમાં 110 લાખ લોકો લૉકડાઉન હેઠળ છે અને ફેડરલ રિઝર્વની નાણાનીતિ વિશે થોડી અનિશ્ચિતતા સર્જાઈ છે. તેથી બજારમાં નફારૂપી વેચવાલી આવી છે, એમ એક્સીના વડા વ્યૂહકાર સ્ટીફન ઈન્સે જણાવ્યું હતું.
ચીનમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં છેલ્લા પાંચ મહિનામાં સૌથી મોટો ઉછાળો જોવાયો છે, એમ ચીનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. પાટનગર બિજિંગની આસપાસ આવેલા હિબેઈ પ્રાંતમાં નવા કેસ વધતા જાય છે.
કોરોનાના નવા આક્રમણનું કેન્દ્ર અને હિબેઈના પાટનગર શિજાઝુઆંગમાં  લોકોને અને વાહનોને શહેરની બહાર નીકળવાની મનાઈ ફરમાવાઈ છે. જેથી રોગનો ફેલાવો અટકાવી શકાય.
મોટાભાગનું યુરોપ અત્યંત કડક લૉકડાઉન હેઠળ છે. પ્રવાસ પર પ્રતિબંધો છે અને શાળાઓ અને અૉફિસ કારખાનાં-દુકાનો બંધ છે.
આમ છતાં અમેરિકાના નવ-નિર્વાચિત પ્રમુખ જૉ બાયડન લાખો કરોડ ડોલરનું પ્રોત્સાહન પેકેજ જાહેર કરશે એવી આશાએ તેલનો ભાવ ઘટાડો મર્યાદિત રહ્યો હતો. રાહત પૅકેજ માટેનાં મોટાભાગનાં નાણાં વધારાના કરજ દ્વારા મેળવાશે.
તેલ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદન પર સ્વૈચ્છિક નિયંત્રણો પણ બજારને ટેકો પૂરો પાડે છે. ઓપેક અને સાથી દેશો વચ્ચે સમજાયેલી સમજૂતી અનુસાર મોટાભાગના તેલ ઉત્પાદક દેશો લૉકડાઉન દરમિયાન પોતાનું ઉત્પાદન વધારશે નહીં, જ્યારે સાઉદી અરેબિયા સ્વેચ્છાએ ફેબ્રુઆરી અને માર્ચમાં તેના દૈનિક ઉત્પાદનમાં 10 લાખ  બેરલનો કાપ મૂકશે.
આમ છતાં તેલના હાલના ભાવ કોરોના રસીકરણ વિશેના આશાવાદ પર ટકેલા છે. રસીકરણ આગળ વધશે તેમ તેલની માગ વધશે, જ્યારે તેનું ઉત્પાદન ઓપેક અને સાઉદી અરેબિયાના પ્રયાસોથી અંકુશમાં રહેશે. એમ ઈન્સે કહ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer