વિશેષ સંવાદદાતા તરફથી
મુંબઈ, તા. 12 જાન્યુ.
આવક વેરા રિટર્ન ફાઈલ કરવાની મુદત 31મી માર્ચ 2021
સુધી લંબાવવાની ટેક્સ પ્રેકટીશનર્સના વિવિધ સંગઠનોની માગણી નાણા મંત્રાલયે નકારી કાઢી છે.
ઓલ ઇન્ડિયા ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસે ગુજરાત હાઈ કોર્ટમાં 8મી જાન્યુઆરીએ નોંધાવેલી અરજીના અનુસંધાને આવકવેરાના અને ટેક્સ ઓડિટના રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી મુદત લંબાવવા માટે અદાલતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ને 12મી જાન્યુઆરી સુધીમાં યોગ્ય નિર્ણય લેવાની એક વચગાળાના હુકમ દ્વારા સૂચના આપી તેના જવાબમા મંત્રાલયે તેનો આ નિર્ણય અદાલતને જણાવ્યો છે.
મંત્રાલયે અદાલતને જણાવ્યું કે કરદાતાઓને ઓડિટ રિપોર્ટ અને રિટર્ન ફાઈલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. વિવિધ આંકડાઓને ટાંકી મંત્રાલયે જણાવ્યું કે વર્ષ 2019-20 માટે 15મી જાન્યુઆરી સુધીમાં ફોર્મ 3એ હેઠળ 2.14 લાખ અને ફોર્મ 3બી હેઠળ 18.49 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે જે 2019ના 31 ઓક્ટોબરની સરખામણીએ અનુક્રમે 2.88 લાખ અને 25.37 લાખ હતા.
અદાલતના આ વલણથી જેમને ઓડિટ રિપોર્ટ સાથેના ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના છે તેવા કરદાતાઓને આ રિટર્ન ફાઈલ કરવાની 15મી જાન્યુઆરીની મુદત સીબીડીટી લંબાવી આપશે તેવી આશા હતી તેમને નિરાશા મળશે.