ખેડૂત સંગઠનો સમિતિ સમક્ષ જશે?

સુપ્રીમ કોર્ટે મંગળવારે સરકારને ત્રણ કૃષિ કાયદાનો અમલ મોકૂફ રાખવાનો આદેશ આપ્યો તે પછી  મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ કહ્યું કે, રખે આ કોઈનો રાજકીય વિજય છે એવું કોઈ માની લે. આ વિજય છે વાજબી વલણનો. સંસદે પસાર કરેલા કૃષિ કાનૂનો રદ કરવાની ખેડૂત સંગઠનોની  ગેરબંધારણીય માગણી સરકાર દ્વારા સ્વીકારવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી ત્યારે અદાલતે ચાર સભ્યોની એક સમિતિ નીમીને આ મડાગાંઠનો ઉકેલ લાવવાનું કામ તેને સોંપ્યું અને આ સમિતિ તેનો અહેવાલ આપે ત્યાં સુધી કૃષિ કાયદાનો અમલ મોકૂફ રાખવા સરકારને કહ્યું છે. આ તદ્દન વાજબી અભિગમ છે. ખેડૂત નેતાઓએ સમિતિ તેનો અહેવાલ અદાલતને આપે ત્યાં સુધી રાહ જોઈ આંદોલન સ્થગિત કરવું જોઈએ. પણ ખેડૂત સંગઠનોએ જે અક્ક્ડ વલણ લીધું છે તે જોતાં તેમની પાસેથી આ અપેક્ષા રાખવી વધુપડતી છે એ અદાલત પણ જાણે છે. એટલે તેણે આંદોલનકારી ખેડૂત સંગઠનોનો સહયોગ માગ્યો છે; અદાલતની બેન્ચે આ સંગઠનોને કહ્યું છે કે તેઓ ચાર સભ્યોની કમિટી સમક્ષ પોતાની રજૂઆત કરે. અદાલતે આ સંગઠનોને ત્યાં સુધીની ખાતરી આપી છે કે ખેડૂતોની જમીનનું રક્ષણ પોતે કરવા કટિબદ્ધ છે.  
પરંતુ ખેડૂત સંગઠનોએ અદાલત તેનો નિર્ણય જણાવે તે પહેલાં જ કહી દીધું હતું કે તેઓ કોઈ સમિતિ સમક્ષ નહીં જાય. તેમણે કાયદા રદ કરવાની માગણી પકડી રાખી છે. તેઓ કાયદામાં સુધારા કે અંશત: અમલ નહીં પણ સંપૂર્ણ નાબૂદીની જીદ લઈને બેઠા છે. આવા સંજોગોમાં સમિતિ જે નિર્ણય જ્યારે પણ આપે ત્યારે તેમનું વલણ કેવું હશે તેની કલ્પના કરી શકાય છે.  
અદાલતે તેના આ નિર્ણયને ભલે વાજબી વલણ ગણાવ્યું, હકીકતમાં તેણે ખેડૂત સંગઠનોના વિરોધમાંથી હવા કાઢી લીધી છે. તેણે કાયદાનો અમલ મોકૂફ રખાવ્યો, નિષ્ણાત સમિતિને સમાધાન લાવવાનું સોંપ્યું અને ખેડૂતોની જમીનને કોઈ હડપ કરી જશે તેવા તેમના ભય સામે પણ અભયવચન આપ્યું છે. 
સમિતિ તેની ભલામણ સોંપે તે પછી પણ આંદોલનનો શાંતિમય અંત આવે તે મુશ્કેલ લાગે છે. એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે અદાલતને જણાવ્યું છે કે આંદોલનમાં ખાલિસ્તાની તત્ત્વો ઘૂસી ગયાં છે. થોડા દિવસો પહેલાં કૅનેડાના એક સાંસદ આ આંદોલનમાં દેખાયા હતા. કર્ણાટકમાં રિલાયન્સ રિટેલે ખેડૂતો પાસેથી એમએસપીથી વધુ ભાવ આપીને ચોખા ખરીદ્યા તો સ્થાનિક ખેડૂત સંગઠને તેનો પણ વિરોધ કરતાં કહ્યું કે, આ તો એપીએમસીને તોડવાનું કાવતરું છે. આ આંદોલન ખેડૂતોના હાથમાંથી ઘણા સમય પહેલાં  સરકી ગયું હતું. ડાબેરીઓ, ખાલિસ્તાનીઓ અને વિદેશમાં વસતા ભારતવિરોધી તત્ત્વો આંદોલનનો શાંતિમય ઉકેલ આવે તેમ ઇચ્છતા નથી.  
અદાલતે ગર્ભિત કહ્યું છે કે, અમને નાગરિકોના જાનમાલના રક્ષણની ચિંતા છે અને અમારે આ મડાગાંઠનો ઉકેલ લાવવો છે. સરકારે સામ, દામ અને ભેદની નીતિ અપનાવી જોઈ. તેનું કઈ પરિણામ આવ્યું નથી. ત્યારે સરકારે હવે શું કરવું જોઈએ?

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer