ઉદ્યોગોને ફસાયેલી ગ્રાંટ ઝડપથી મળવી જોઇએ

ઉદ્યોગોને ફસાયેલી ગ્રાંટ ઝડપથી મળવી જોઇએ
ઇઝ અૉફ ડુઇંગના અનેક પ્રશ્નોનું નિવારણ જરૂરી : અંકિત પટેલ 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 12 જાન્યુ.  
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. મોટી ત્રણ જીઆઇડીસીઓ જેમ કે વટવા, ઓઢવ અને નરોડા જીઆઇડીસીનો સમાવેશ થાય છે. કોવિડ-19ની ઘેરી સમસ્યામાંથી ઉદ્યોગો બેઠા થઇ રહ્યા છે ત્યારે અમુક પ્રશ્નોનો પણ સામનો કરી રહ્યા છે. જેમાં સરકાર તરફથી કોર્પોરેશનની હદમાં આવતા ઉદ્યોગોને જે ગ્રાંટ આપવામાં આવે છે તે ઝડપથી છૂટી કરવામાં આવે તેવી માગ છે.  
વટવા જીઆઇડીસીના પ્રમુખ અંકિત પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા એકમોને જે ગ્રાંટ આપવામાં આવે છે તે હજુ ફસાયેલી છે. તે ઝડપથી પૂરી કરવી જોઇએ. ગ્રાંટ ફસાઇ ગઇ હોવાથી એકમોને નાણાંકીય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો તે છૂટી કરવામાં આવે તો મોટી રાહત મળે તેમ છે. ઔદ્યોગિક એકમોમાં બીયુ (બિલ્ડીંગ યૂઝ) મંજૂરી પણ સમસ્યા છે. બીયુ મંજૂરી મળતી નહી હોવાથી વીમો પણ ઉતરવી શકાતો નથી. સરકારે જેમ 2019માં ઇમ્પેક્ટ ફી લઇને બાંધકામોને રેગ્યુલરાઇઝ કર્યા હતા તેમ આ વખતે આવી કોઇક વ્યવસ્થા કરીને બીયુ મંજૂરી પણ તાત્કાલિક મળે તે કાર્યવાહી જરુરી છે. કેમિકલ ઉદ્યોગમાં ઇઝ ઓફ ડુઇંગને લગતા અનેક પ્રશ્નો છે. તેમાં રહેલી નાની નાની ક્ષતિઓ દૂર કરવાની હજુ પણ જરૂર છે. જોકે સરકાર કામ કરી રહી છે, તેમાં ઝડપ લાવવાની જરૂર છે.  
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં  કેમિકલ ક્ષેત્ર ખૂબ જ મોટુ છે. અમદાવાદમાં આશરે 2500 જેટલા એકમો છે. જેમાંથી 98 ટકા એકમોનો એમએસએમઇમાં સમાવેશ થાય છે. સરકારે ભરૂચમાં સાઇકીયા, દહેજ ખાતે જ મોટા કેમિકલ ઝોન વિકસાવ્યા છે. જોકે અમદાવાદથી કે અન્ય સ્થળોએથી ત્યાં જવું એકમો માટે મુશ્કેલ છે તેથી વિસ્તરણ પણ હાથ ધરી શકતા નથી. વટવા જીઆઇડીસીમાં આશરે 600 જેટલા કેમિકલ એકમો અને અમદાવાદમાં વિવિધ સ્થળોએ થઇને 2000 જેટલા એકમો છે. અમદાવાદ નજીક પણ એ માટે ઝોન બનાવવા જોઇએ. 
વટવા, નરોડા, ઓઢવ જીઆઇડીસીમાં અમુક પ્લોટો ખાલી છે. તેમાં એનયુ (નોયૂઝ) પેનલ્ટી લેવામાં આવે છે. જોકે તે બાબતે તેમણે તટસ્થપણે જણાવ્યુ હતુ કે એક બાજુ ઉદ્યોગોને વિકસવાની તક મળતી નથી તો સામે અમુક ઉદ્યોગો પ્લોટ લઇને બેસી રહે છે. તે સંજોગોમાં આવી પેનલ્ટી આવકારદાયક છે. બધુ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે કેમિકલ એકમો, સીયુ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વીજળી, માર્ગો વગેરે ઉપલબ્ધ હોવા છતાં પાંચ વર્ષમાં ઉદ્યોગો ચાલુ ન કરે અને સરકાર પાછો લઇ લે તો તેમાં કોઇ સમસ્યા નથી. 
કોવિડ-19 બાદ ઘણા ઉદ્યોગો પુન?ખુલી ગયા છે. બીજી બાજુ ચીનની હાલમાં પીછેહઠ થઇ રહી છે તેવા સંજોગોમાં ભારત શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યુ છે. આ સંજોગોમાં ઉદ્યોગોને વિસ્તરણ હાથ ધરવામાં કે ચલાવવામાં જે કંઇ નાની મુશ્કેલીઓ છે તેનું નિરાકરણ લાવવુ જોઇએ. જો આમ નહી કરવામાં આવે તો વખત જતા ભૂલાઇ જશે. આ બાબતે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે ઝડપી પગલાં લેવા જોઇએ. તેમણે એનજીટીને લગતા પ્રશ્નો પણ દૂર કરવા જોઇએ. વટવામાં હાલમાં 2500 જેટલા એકમો છે અને એકાદ હજાર જેટલા એન્સિલરી એકમો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer