એલએનજીમાં ભભૂકતી તેજી : આઠ મહિનામાં ભાવ 11 ગણા વધ્યા

એલએનજીમાં ભભૂકતી તેજી : આઠ મહિનામાં ભાવ 11 ગણા વધ્યા

વૉશિંગ્ટન, તા. 12 જાન્યુ.
એલએનજી (લિક્વિફાઈડ નેચરલ ગૅસ)ના ભાવમાં જોરદાર તેજી ભભૂકી રહી છે. ઠંડો શિયાળો અને ગ્રાહકોની ગણતરી ભૂલને પગલે આઠ મહિનામાં તેના ભાવ દસ ગણા થઈ ગયા છે.
આઠ જાન્યુઆરીએ એલએનજીનો સાપ્તાહિક હાજર ભાવ 21.45 ડૉલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ બોલાયો હતો, જે મે મહિનાના 1.85 ડૉલરના ભાવથી 1060 ટકાનો અભૂતપૂર્વ વધારો દર્શાવે છે.
ઓછામાં ઓછો એક સોદો 33થી 35 ડૉલરના ભાવે થયો હોવાના અહેવાલો પ્રકાશિત થયા છે, જે આ પ્રવાહી બળતણ પ્રાપ્ત કરવા માટે ગ્રાહકોની અધીરતા દર્શાવે છે.
અમુક અંશે આ ભાવવધારો ઉત્તર એશિયામાં અત્યંત ઠંડા શિયાળાને આભારી છે. જપાનમાં ભારે બરફ પડયો છે અને બિજિંગમાં 1966 પછીનું સૌથી નીચું તાપમાન જોવાયું છે. પરંતુ આટલો મોટો વધારો માત્ર શિયાળાને કારણે નથી થયો.
નવેમ્બરની આખરે જ્યારે એલએનજીના હાજર ભાવ 6.40 ડૉલર નજીક હતા ત્યારે ટોચના ત્રણ ગ્રાહક દેશો ચીન, જપાન અને દક્ષિણ કોરિયાના આયાતકારો કહેતા હતા કે તેમણે શિયાળા માટે પૂરતો સ્ટોક ખરીદી લીધો છે. શિયાળો ધાર્યા કરતાં વધારે ઠંડો નીવડે તો પણ ઉદ્યોગની અતિરિકત ઉત્પાદન ક્ષમતાને કારણે હાજરમાં જોઈએ તેટલો માલ મળી શકશે એમ પણ તેઓ કહેતા હતા. પરંતુ તેમનો સંતોષ ભૂલભરેલો સાબિત થયો. નવેમ્બરની મધ્યમાં તેમણે સંભવિત માગ, પોતાની પાસેનો સ્ટોક અને બજારમાં ઉપલબ્ધ હાજર માલની ફરીથી ગણતરી કરી ત્યારથી હાજર ભાવ વધવા લાગ્યા.
મોટા નિકાસકાર અૉસ્ટ્રેલિયામાં ઉત્પાદન ઘટવાથી પુરવઠો તંગ બન્યો. ડિસેમ્બરમાં એલએનજીની ડિલિવરીમાં વધારો થયો, પણ આગલાં વર્ષોના પ્રમાણમાં તે સામાન્ય હતો.
ડિસેમ્બરમાં જપાન, ચીન અને દક્ષિણ કોરિયાનાં બંદરોએ 201 લાખ ટન એલએનજી ઉતારવામાં આવ્યો, જે ડિસેમ્બર 2019ની સરખામણીમાં 9.6 ટકા અને ડિસેમ્બર 2018ની સરખામણીમાં 5.7 ટકા વધારે હતો. ચીનની આયાતમાં વર્ષાનુવર્ષ 14 ટકા અને જપાનની આયાતમાં 16.6 ટકાનો વધારો થયો.
હવે પુરવઠાની સ્થિતિ સુધરી રહી છે. અમેરિકાની એલએનજીની નિકાસ નવેમ્બરના 57.7 લાખ ટનથી વધીને ડિસેમ્બરમાં 61.8 લાખ ટન થઈ હતી. આમાંથી મોટાભાગનો ગૅસ આ મહિને અને થોડો ફેબ્રુઆરીમાં ઉત્તર એશિયાનાં બંદરોએ પહોંચવાની સંભાવના છે. અૉસ્ટ્રેલિયાની નિકાસ પણ તાજેતરના મહિનાઓમાં વધી છે.
એલએનજીની રવાનગીમાં થયેલા વધારાને જોતાં હાલના ભાવ ટકવા મુશ્કેલ છે. અત્યારની જોરદાર માગ ઢીલી પડશે કે ભાવ ઘટવા લાગશે, એમ બજારના નિષ્ણાત ક્લાઈડ રસેલનું કહેવું છે.


© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer