બર્ડ ફ્લૂના કારણે મકાઈની માગ ઘટી

બર્ડ ફ્લૂના કારણે મકાઈની માગ ઘટી
રવી વાવેતરમાં પણ ઘટાડો 
ડી. કે 
મુંબઈ, તા. 12 જાન્યુ. 
રવી સિઝનનાવાવેતર હવે અતિમ તબક્કામાં છે, ત્યારે મકાઇના વાવેતરના આંકડા ગત વર્ષના વાવેતર કરતાં ઓછા આવે છે. જેના માટે વાવેતર સમયે ચાલતા મકાઇના નીચા ભાવને જવાબદાર માની શકાય. હાલમાં મકાઇના નીચા ભાવ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ સુધી પહોંચી શક્યા ન  હોવાથી ખડૂતો અન્ય પાક તરફ આકર્ષાયા હોવાનું જાણવા મળે છે. 
ભારતમાં મકાઇનું વાવેતર ખરીફ તેમજ રવી એમ બન્ને સિઝનમાં તથા જુદાજુદા વિસ્તારોમાં થતું હોય છે. છેલ્લા આંકડા મુજબ દેશમાં મકાઇનું વાવેતર 14.75 લાખ હેક્ટરમાં થયું છે. જે ગત વર્ષે આ સમયગાળામાં 15.21 લાખ હેક્ટરમાં થયેલા વાવેતર કરતાં ઓછું છે.વાવેતરમાં ઘટાડાનું મુખ્ય કારણ દક્ષિણ ભારતમાં ખેડૂતોનું મકાઇ પ્રત્યે નીરસ વલણ જવાબદાર ગણી શકાય, કારણ કે આ વખતે કર્ણાટકમાં 73000 હેક્ટર, તામિલનાડુમાં 1,57,000 હેક્ટર,  તેલંગાણામાં 50,000 હેક્ટર તથા આંધ્રપ્રદેશમાં 79,000 હેક્ટરમાં જ મકાઇનું વાવેતર થયું હોવાના અહેવાલ છે. આ તમામ રાજ્યોમાં વાવેતર ગત વર્ષની તુલનાએ ઓછા છે. સામાપક્ષે બિહાર તથા મહારાષ્ટ્રમાં મકાઇના વાવેતરમાં થોડો વધારો જોવા મળ્યો  છે. આમ તો કેન્દ્ર સરકારે માર્કાટિંગ વર્ષ 2020-21 માં મકાઇના ટેકાના ભાવમાં વધારો તો કર્યો પણ ખેડૂતોને ખુશ કરી શકાયા ન હોવાથી વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.  
નવા વર્ષના પ્રારંભે બર્ડ ફ્લ્યુના રોગચાળાના કારણે પોલ્ટ્રી ઉદ્યોગને જોરદાર માર પડ્યો છે. તેથી મકાઇની માગમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં જ્યાં મોડેથી વાવેતર થવાના હતા તે વિસ્તારોમાં ખેડૂતો હવે મકાઇનું વાવેતર કરતાં વિચાર કરશે. બીજી તરફ પંજાબ તથા હરિયાણામાં આંદોલન ઉપરાંત રોગચાળાની અસરના કારણે મકાઇની આવકોમાં ઘટાડો થયો છે. 
વૈશ્વિક બજારમાંથી ભારતમાં આવનારી મકાઇના અમુક કન્ટેનરો દેશના વિવિધ બંદરોએ ઉતરવાની પરવાનગીની પ્રતીક્ષામાં છે. વિશાખાપટ્ટનમ અને ક્રિષ્નપટ્ટનમ બંદરે આશરે 1,25,000 ટન મકાઇ ઉતર્યા બાદ સ્થાનિક બજારમાં તેની અસર જોવા મળશે એમ વ્યવસાયિક વર્તુળો જણાવે છે. 
આમ છતાં વૈશ્વિક બજારમાં શિકાગો વાયદામાં ગત સપ્તાહે મકાઇના ભાવમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો. કારણ કે દક્ષિણ અમેરિકામાં મકાઇના વાવેતર ઉપર વિપરિત હવામાનની અસરના કારણે ઉતારા ઓછા આવવાનું અનુમાન છે. એકતરફ સ્થાનિક વાવેતરમાં ઘટાડો છે, સાથે જ બર્ડ ફ્લ્યુની બીમારી આવતા માગમાં પણ ઘટાડો થયો છે. તેથી આગામી દિવસોમાં વેપારીઓ નવા વેપાર કરતાં પહેલા ભારે સાવચેતી રાખી રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer