મડાગાંઠ ઉકેલવાનું સમિતિને સોંપાશે
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 12 જાન્યુ.
સર્વોચ્ચ અદાલતે આજે કૃષિ સુધારા કાયદાઓનો અમલ વધુ આદેશ ન અપાય ત્યાં સુધી સ્થગિત ર્ક્યો હતો અને ખેડૂતો અને સરકાર વચ્ચેની મડાગાંઠ ઉકેલવા ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી.
ખેડૂત નેતાઓએ પ્રસ્તુત કાયદાઓનો અમલ સ્થગિત કરવાના આદેશનું સ્વાગત ર્ક્યું હતું, પણ કાયદાઓ પાછા ન ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
વડા ન્યાયાધીશ એસ. એ. બોબડેના વડપણ હેઠળ તેમના ઉપરાંત ન્યા. એ. એસ. બોપન્ના તથા ન્યા. વી. રામસુબ્રમણ્યનની બેંચે ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ ઍન્ડ પ્રોટેકશન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરન્સ ઍન્ડ ફાર્મ સર્વિસીસ ઍક્ટ, ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ ઍન્ડ કૉમર્સ (પ્રમોશન ઍન્ડ ફેસિલિટેશન) ઍક્ટ અને એસેન્શિયલ કોમોડિટીઝ (એમેન્ડમેન્ટ) ઍક્ટનો અમલ વધુ આદેશ ન અપાય ત્યાં સુધી સ્થગિત ર્ક્યો હતો. ત્રણે કાયદાઓ વિરુદ્ધ તેમની બંધારણીય યોગ્યતાને પડકારતી અનેક અરજીઓ નોંધાવાઈ છે.
બૅન્ચે પ્રસ્તાવિત સમિતિના સભ્યોનાં નામો જાહેર ર્ક્યાં હતાં અને કહ્યું હતું કે સમિતિ આ મામલે ખેડૂતોની સમસ્યાઓનો અભ્યાસ કરશે. સમિતિના સભ્યોમાં ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ભૂપિન્દરસિંઘ માન, શેતકરી સંઘટનાના પ્રમુખ અનિલ ઘનવટ, ઈન્ટરનેશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટના દક્ષિણ એશિયા માટેના ડિરેક્ટર પ્રમોદકુમાર જોશી અને કૃષિ અર્થશાત્રી અશોક ગુલાટીનો સમાવેશ થાય છે. આદેશ જાહેર કરતાં અગાઉ બૅન્ચે ખેડૂત સંગઠનોને સહકાર આપવાની અને વિવાદ ઉકેલવા માટે તેણે નિમેલી સમિતિ સમક્ષ હાજર થવાની સૂચના આપી હતી. આ રાજકારણ નથી. રાજકારણ અને ન્યાયતંત્રમાં ફરક છે. તમારે સહકાર આપવો પડશે. જેને ખરેખર સમાધાન જોઈએ છે તે સમિતિ પાસે જશે, એમ બૅન્ચે કહ્યું હતું.
આંદોલનકારીઓમાં ખાલિસ્તાનતરફી તત્ત્વોએ ઘૂસણખોરી કરી હોવાના આક્ષેપ વિશે કેન્દ્ર સરકાર વતી અદાલતમાં એફિડેવિટ નોંધાવવાનો આદેશ બૅન્ચે એટર્ની જનરલ વેણુગોપાલને આપ્યો હતો.
26 જાન્યુઆરીએ કેટલાક વિરોધકારીઓ ટ્રેક્ટર માર્ચનું આયોજન કરી રહ્યા હોવાનું કેન્દ્ર સરકારે જણાવતાં સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ આપી હતી.
દરમિયાન ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિની કાર્યવાહીમાં ભાગ લેવા તૈયાર નથી. જોકે, આ વિશે વિધિસર નિર્ણય કિસાન સંગઠનોના મોરચા દ્વારા લેવાશે.
સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદાનો અમલ સ્થગિત કરાવ્યો
