સુરત બ્રાઇડલ લહેંગાનું ઉત્પાદન કરવામાં અગ્રીમ બનશે

કોલકાતા, જયપુર, બનારસને હરીફાઇ આપવા સક્ષમ 
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત તા. 22 જાન્યુ. 
કાપડનાં ઉત્પાદનમાં સુરત ટોચે છે. દેશમાં 80 ટકા મેન-મેડ ફેબ્રીક(ફાઇબર)નું ઉત્પાદન કરવામાં સુરત આવે છે. જે પ્રકારે શહેરભરમાં વિસ્તરણ ચાલી રહ્યું છે તે જોતાં આગામી દિવસોમાં સુરત સાડી-ડ્રેસ-લહેંગા ઉપરાંત ટેકનીકલ ટેક્સટાઇલની આઇટમોનાં ઉત્પાદનમાં ટોચ પર રહેશે. જો કે, પાછલા ત્રણ થી ચાર વર્ષમાં સુરત સાડી-ડ્રેસ બાદ બ્રાઇડલ લહેંગાના ઉત્પાદનમાં દેશના અન્ય શહેરો જેવા કે કોલકત્તા, જયપુર અને બનારસને હરીફાઇ પૂરી પાડવા માટે સક્ષમ બન્યું છે.        
પરંપરાગત રીતે મહિલાઓ લગ્ન પ્રસંગે સાડીઓમાં વધુ જોવા મળે છે. પરંતુ છેલ્લા દોઢેક દાયકાથી લગ્નપ્રસંગે સાડીના બદલે હેવી વર્કના લહેંગા, ચણિયાચોળી, સરારા સહિતના આઉટફીટે સ્થાન લીધું છે. સુરતના કાપડઉદ્યોગના સાહસિકો જથ્થાબંધ ઉત્પાદન લેવાના મામલે આવડત ધરાવે છે. 
પાછલા દિવસોમાં લહેંગાનું ઉત્પાદન લેવાની દિશામાં કેટલાક સાહસિકોએ તૈયારી દાખવતા આજે શહરેનાં 5 હજારથી વધુ કાપડના વેપારીઓ  ઉત્પાદનમાં આગળ આવ્યા છે. જે પ્રકારે ડીઝાઇનર લહેંગાનું ઉત્પાદન સાથે જથ્થાબંધ લહેંગાનું ઉત્પાદન લેવામાં આવે છે તે જોતાં સુરત આગામી દિવસોમાં જયપુર, કોલકત્તા, બનારસને મોટી હરીફાઇ પૂરી પાડશે. આ વર્ષે લગ્નસરાની સીઝનમાં સુરત લહેંગામાં મોટું વેપાર મેળવશે તેવી શક્યતા લોકલ વેપારીઓ વ્યક્ત કરી છે.  
લહેંગાના વેપારી હેમંત ગોયલ જણાવે છે કે, આજકાલ લહેંગા અલગ-અલગ સ્ટાઇલમાં જોવા મળે છે. જોકે, ચોક્કસ સ્ટાઇલના લહેંગા પસંદ કરતી વખતે લેટેસ્ટ ફેશનના લહેંગામાં વેપારીઓને વધુ રસ પડતો હોય છે. તેમાં સ્લિમ ફિટ લહેંગા, સ્ટ્રેપી, વન શોલ્ડર ઓફ શોલ્ડર, ડીપ-બેક જેવી સ્ટાઇલીશ ચોલી પણ લહેંગા સાથે વેપારીઓ માંગતા હોય છે. લગ્નસરાની સીઝન શરૂ થતાં બ્રાઇડલ લહેંગાની ખરીદીમાં વધારો થાયો છે. લહેંગાનું કાપડ અને તેના પર થતા ભરતકામ ઉપર ભાવો નક્કી કરવામાં આવે છે. એક લહેંગાનો ભાવ રૂા. 1 હજારથી  80 હજાર સુધીનો પણ હોય શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer