ઊંઝામાં મસાલા બજારમાં સુસ્ત કામકાજ

જીરું અને વરિયાળીની નવી આવક એકાદ સપ્તાહમાં શરૂ થવાની શક્યતા 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 22 જાન્યુ.
ઊંઝા બજાર ખાતે વિતેલા સપ્તાહે ઢીલા કામકાજ રહ્યા હતા. જીરામાં વેચવાલીનું જોર છે. સામે ઘરાકી ઓછી છે. આબુરોડથી વરિયાળીની બેથી ચાર દિવસોમાં આવકો થવાની શક્યતા સેવાય છે. જ્યારે કાઠિયાવાડથી તાજેતરમાં જ ઊંઝા ખાતે વેચાવા આવેલો નવા અજમાનો ભાવ રૂ. 2800 પડ્યો હોવા છતા ખેડૂતોએ રૂ. 3000ની આસપાસ માગતા માલ વણવેચાયેલો રહ્યો છે. નવો માલ આશરે 15થી 20 કટ્ટા આવ્યો હોવાના અહેવાલ છે.  
વરિયાળી અને અજમાની સાથે ધાણાની પણ નવા માલની આવકો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આવવાની ગણતરી છે. જ્યારે રાજસ્થાનનું જીરુ સામાન્ય રીતે હોળી પછી જ આવે છે.  ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરામાં હાલમાંથી ત્રણથી ચાર હજાર બોરીની આવકો થઇ રહી છે. 
સામે આવકો જેટલા જ વેપાર થાય છે. વેચવાલીનું માનસ છે. જીરાના હલકા માલના રૂ. 2100-2150, એક્સપોર્ટ દડાના રૂ. 2300 અને સારા માલના રૂ. 2400થી 2500 અને બોલ્ડ માલના રૂ. 2600ની આસપાસ ચાલી રહ્યા છે.  
તલમાં સારી જાતના ભાવ રૂ. 1700થી 1800 છે. ધુંઆબરના રૂ. 1600ની આસપાસ ભાવ ચાલી રહ્યા છે. તલમાં હાલમાં 1000-1200 બોરીના વેપાર થાય છે. આજે કોરિયાનું ટેન્ડર ખુલવાની શક્યતા છે ત્યારે નિકાસકારો રાહ જોઇ રહ્યા છે. તલમાં ઉનાળુ વાવેતર માર્ચથી થશે.  
જ્યારે વરિયાળીમાં હાલમાં  સ્ટોકના માલના વેપાર છે. હાલામાં હલકા માલના રૂ. 1000-1100, મીડિયમના રૂ. 1200-1300 અને બેસ્ટ કલર માલના રૂ. 1500-1800 અને આબુરોડના કલરના માલના રૂ. 2500થી 3500 ચાલી રહ્યા છે. આબુરોડની આગામી થોડા સમયમાં જ વરિયાળીની આવકો શરૂ થવાની ધારણા સેવાય છે. જ્યારે ગુજરાતની વરિયાળીની ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં નવી આવક નહી થાય ત્યાં સુધી જૂના માલના ભાવ ઊંચા રહેશે તેમ વેપારીઓ ધારણા સેવી રહ્યા છે. ઇસબગૂલમાં પણ હાલમાં 1500-2000 હજાર બોરીના વેપાર માંડ થાય છે. તેમાં હાલમાં સ્ટોકના માલનો જ વેપાર થાય છે. 
નવા ફોરેનના કામકાજનો અભાવ છે. વધુ પાક આવવાની શક્યતા હોવાથી હાલમાં પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. એરંડામાં રૂ. 800-825ના મથાળે ભાવ ચાલી રહ્યા છે. ભાવ સુધરવાનો આધાર નિકાસ પર છે. રાયડામાં રૂ. 1050થી 1080ના ભાવ ચાલી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer