કેરળમાં પ્રતિકૂળ હવામાનથી મરીનો પાક વિલંબમાં

કોચી, તા. 22 જાન્યુ.
કેરળના મરી પકવતા વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાનને કારણે પાક વિલંબમાં પડયો છે.
સાંજે વરસાદ સાથે વાદળિયું હવામાન રહેતું હોવાથી દાણા પાકવાની પ્રક્રિયાને અસર થઈ છે અને પાક ઓછો આવી શકે છે એમ અગ્રણી વેપારી કિશોર શામજીએ જણાવ્યું હતું.
કેરળના દક્ષિણના જિલ્લામાં સામાન્ય રીતે મરી ઉતારવાનું કામ નવેમ્બર અને ડિસેમ્બરમાં થાય છે, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયું, કારણ કે ખાસ કરીને ઈડુક્કી અને પઠનમથિટ્ટામાં વરસાદને કારણે ખેડૂતો પાક ઉતારી શક્યા નહીં. વૃક્ષ પરથી ઉતારેલા મરી જો બીજે દિવસે સૂકવવામાં ન આવે તો તેમાં ભેજ વધુ રહી જાય અને પાકની ઘનતા ઓછી થાય એમ તેમણે કહ્યું હતું.
આ વર્ષે મરીનો પાક ઓછો ઉતરવાની ધારણા છે, કેમકે કેરળ અને કર્ણાટકમાં વેગીલા પવનથી પાકને અસર થઈ છે. 2020માં મરીનો પાક 65,000-70,000 ટન ઉતર્યો હતો.
દરમિયાન ઉત્તર ભારતમાં વપરાશી કેન્દ્રોમાં હોટેલો, કેટરિંગ કેન્દ્રો અને આહારગૃહો ખૂલવા લાગતા ત્યાંની માગ વધી રહી છે.
જો મરી ઉતારવાનું કામ પૂરજોશમાં ચાલુ થાય તો સ્થાનિક બજારમાં આવકો વધશે અને ભાવ દબાશે એમ શામજીએ જણાવ્યું હતું. કોચીમાં ગુરુવારે ભૂખરા જેવા (અનગાર્બલ્ડ) મરીનો ભાવ રૂા. 325 પ્રતિ કિલો અને કાળાં (ગાર્બલ્ડ) મરીનો ભાવ રૂા. 345 બોલાતો હતો.
જોકે શ્રીલંકાથી મરીની આયાત વધી રહી છે. છેલ્લા બે સપ્તાહમાં 117 ટનની આયાતને પગલે ભાવ કિલો દીઠ નવેક રૂપિયા દબાયા હતા એમ શામજીએ કહ્યું હતું.
વેપારીઓ અને નિકાસકારોના કોન્સોર્શિયમના સલાહકાર કે. કે. વિશ્વનાથે કહ્યું કે કર્ણાટકમાં મરીના ઊભા પાક પર તાજેતરના વરસાદની અસર કેરળ કરતાં ઓછી છે, કેમ કે ત્યાં મરી ઉતારવાનું કામ ફેબ્રુઆરીમાં જ શરૂ થાય છે. સૂકા મહિનાઓમાં વરસાદ પડવાથી પાક ઉતારવા પહેલાં મરીના બગીચાઓને પાણી મળી રહેશે. ઓલ ઇન્ડિયા સ્પાઈસિસ એક્ષ્પોર્ટર્સ ફોરમના પ્રવકતાએ જણાવ્યું કે અન્ય દેશોના મુકાબલે ભારતીય મરીના ભાવ ઊંચા હોવાથી નિકાસના સંયોગો ઝાંખા  છે. સ્થાનિક માગ મજબૂત છે, પણ સિઝન આગળ વધે અને આવકો વેગ પકડે ત્યારે ભાવ ઘટવાની સંભાવના છે. નવા પાકની આવકો શરૂ થઈ છે, પરંતુ તે જાન્યુઆરીની આખરમાં અથવા ફેબ્રુઆરીના આરંભમાં જ જોર પકડશે એવું લાગે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer