સિમેન્ટની માગ આવતા વર્ષે 20 ટકા વધશે : ઇક્રા

નવી દિલ્હી, તા. 22 જાન્યુ.
સિમેન્ટની માગ આવતા નાણાકીય વર્ષ 2021-22માં 20 ટકા વધીને 2019-20ના સ્તરે પહોંચવાની ધારણા છે. આ માગ વધારો ગ્રામીણ વિસ્તારોની માગ, ગૃહનિર્માણ ઉદ્યોગ અને માળખાકીય પ્રોજેક્ટોમાં અપેક્ષિત સુધારાને આભારી હશે એમ રેટિંગ એજન્સી ઇક્રાએ તેના અહેવાલમાં જણાવ્યું છે.
સિમેન્ટની માગ વધતાં સિમેન્ટ કંપનીઓના કાર્યકારી નફાના માર્જિન પણ 20-21 ટકાની આસપાસ ટકી રહેશે. ઉત્પાદન ખર્ચમાં વધારો થવા છતાં નફાનો ગાળો જળવાઈ રહેશે એમ ઇક્રાનું કહેવું છે.
સિમેન્ટ ઉદ્યોગની કુલ ઉત્પાદન ક્ષમતામાં આ વર્ષના 150-170 લાખ ટનની સરખામણીમાં આવતા વર્ષે 200-220 લાખ ટનનો વધારો થવાની ધારણા છે. આશરે 150-170 લાખના વધારા સાથે પૂર્વ ભારત ક્ષમતાના વધારામાં આગેવાની લેશે.
2021-22માં સિમેન્ટની માગમાં 20 ટકા વધારો થવાના પગલે ઉદ્યોગમાં ક્ષમતાનો વપરાશ પણ આ વર્ષના 56 ટકાથી વધીને 64 ટકા થવાની ધારણા છે, એમ ઇક્રાએ કહ્યું છે.
ઉત્પાદન સામગ્રીમાં કોલસાના ભાવ નરમ રહ્યા છે, પરંતુ પેટ કોકના ભાવમાં તાજેતરના મહિનાઓમાં વધારો જોવાયો છે. ડીઝલના ભાવ પણ આ વર્ષે વધ્યા છે. ડીઝલ અને પેટ કોક બંનેના ભાવ ક્રૂડતેલ સાથે સંકળાયેલા હોવાથી તે ઊંચા જ રહેવાની સંભાવના છે, એમ ઇક્રાએ જણાવ્યું છે.
આગળ ઉપર કોલસાના ભાવની વધઘટનો આધાર ભારત અને ચીનની માગ પર તેમ જ વીજળીના ઉત્પાદનમાં કોલસાને બદલે નેચરલ ગૅસ અને રિન્યુએબલ ઊર્જાના વપરાશમાં થનારા વધારા પર રહેશે.
આ વર્ષે રવી પાકનું સમયસર વાવેતર અને ભૂગર્ભજળ તથા જળાશયોની સંતોષકારક સ્થિતિને લઈ રવી પાકનો ઉતારો સારો આવશે અને ગ્રામવિસ્તારોમાં લોકોની માનસિકતા વધુ હકારાત્મક બનતાં સિમેન્ટની માગ વધશે એમ ઇક્રાનાં ઉપપ્રમુખ અનુપમા રેડ્ડીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ આગામી મહિનાઓમાં વધુ ઝડપી બનશે અને પોસાણક્ષમ આવાસ યોજના અને અન્ય પ્રોત્સાહનોને કારણે ગૃહનિર્માણ ક્ષેત્રની સિમેન્ટની માગ વધવાની ધારણા છે, એમ તેમણે કહ્યું હતું.
તે ઉપરાંત તાજેતરમાં આત્મનિર્ભર ભારત માટેના ત્રીજા પેકેજના ભાગરૂપે રિયલ એસ્ટેટ, પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અને માળખાકીય ક્ષેત્ર માટે થયેલી જાહેરાતો પણ સિમેન્ટની માગને ટેકો આપશે એમ મનાય છે.
માળખાકીય ક્ષેત્રે પરિવહન ક્ષેત્રના પ્રોજેક્ટો-રસ્તા, મેટ્રો, રેલવે અને વિમાનીમથકોનું બાંધકામ ઝડપી બનવાથી સિમેન્ટની માગ વધવાની ધારણા છે, એમ રેડ્ડીએ જણાવ્યું હતું.
સિમેન્ટ મેન્યુફેકચરર્સ ઍસોસિયેશનના કહેવા મુજબ સિમેન્ટ ઉદ્યોગ 54.50 કરોડ ટનની સ્થાપિત
ક્ષમતા ધરાવે છે અને સરકારી તિજોરીમાં સૌથી વધુ યોગદાન આપનારા ઉદ્યોગોમાં ચોથા ક્રમે છે. ભારતીય સિમેન્ટ ઉદ્યોગ વિશ્વની સાત ટકા ક્ષમતા ધરાવે છે અને ચીન પછી બીજા ક્રમે આવે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer