અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 જાન્યુ.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે જૉ બાઇડનની શપથવિધી સંપન્ન થયા પછી હવે વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રનો પુન: પ્રમાણમાં સ્થિર થવાનો સંકેત સ્પષ્ટ છે. બાઇડન લિબરલ હોવાના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અગાઉની જેમ વ્યાપક અને નકામી ઉઠાપટકના નિર્ણયોને બ્રેક લાગશે એમ સ્થાનિક ઉદ્યોગકારો અને આયાતકારો માને છે. જેથી અત્યાર સુધી બિનલોહ ધાતુ ડૉલરમાં થતી તીવ્ર વધઘટ નિયંત્રિત રહેશે. આ સંકેત પછી હવે ટૂંકમાં બિનલોહ ધાતુ બજારમાં વ્યાપની સ્થિરતા આપવાની પ્રબળ શક્યતા છે.
તાંબાનો ભાવ ટનદીઠ 5,400ના તળિયેથી વધીને 8,200 ડૉલરને ટચ કરીને અત્યારે 8,000 ડૉલરની સપાટી નીચે ઘુમરાઈ રહ્યો છે. ચીનમાં લ્યુનાર વર્ષની લાંબી રજાઓ શરૂ થવાના આરે છે, બીજી તરફ મોટી ખાણ કંપનીઓ અને મોટા બિનલોહ ધાતુ (મુખ્યત્વે તાંબુ-એલ્યુમિનિયમ-જસત)ના વપરાશકાર, ટ્રેડરોના વાર્ષિક કરારો નક્કી થવાની તૈયારી છે. આ સમયે તાંબામાં આજે (21/1/2021) એલએમઈ ખાતેનો વાયદો 8027 ડૉલરે ક્વોટ થયો છે. આ સપાટી ટૂંકાગાળા માટે અત્યંત રસાકસીભરી બની છે. એમ વિશ્લેષકો જણાવે છે. તાંબાનો ભાવ વધીને 9,600 ડૉલરે જવાની કેટલીક વૈશ્વિક સંસ્થાઓએ આગાહી કરી છે. જોકે, અમેરિકાની ચીન સાથેની નવી રણનીતિ-અર્થનીતિ નક્કી થવા સુધીમાં કોઈ આગાહી ચાલી શકે તેમ નથી એ સ્પષ્ટ છે. નિકલ 18,000 ડૉલરે ક્વોટ થાય છે.
અત્યારના ઊંચા ભાવ શીપીંગના ટોચના ફ્રેઇટ અને કન્ટેનરોની `અછત'ને કેટલેક અંશે આભારી છે, એમ ઘણાનું માનવું છે. વૈશ્વિક વપરાશ સાથે ભાવનો કોઈ વિશેષ સંબંધ નથી. આંતરરાષ્ટ્રીય બજારોમાં કોરોનાને લીધે મુક્ત થયેલ વધારાની જંગી નાણાપ્રવાહિતા અને જંગી સટ્ટાને લીધે લાંબા-નિકલ કિંમતી ધાતુ સહિત તમામ ધાતુના ભાવો ઉંચકાયેલા છે પરંતુ હવે શું?
ટેક્નિકલ જાણકારો અને ઉદ્યોજક-આયાતકારોના મંતવ્યનો સાર છે કે ટૂંકાગાળા દરમિયાન તાંબાનો ભાવ પ્રથમ 8,200-8,400ના રેસીસ્ટન્ટ લેવલેની આસપાસ ટકરાયા પછી કરેશનમાં ઘટાડે 7,000 ડૉલરે પાછો ફરી શકે છે જ્યારે સટ્ટાકીય પરિબળોની ચાલશે, તો તાંબાનો ભાવ 9,00 ડૉલર તરફ ગતિ કરશે. પરંતુ ઉપલી સપાટી ટકવા માટે ચીન-અમેરિકા-યુરોપ વચ્ચેના વાણિજ્ય સંબંધો પુન: મજબૂત થવા જરૂરી બનશે. એમ મહદ્અંશે પીઢ અનુભવીઓ માને છે. ફેબ્રુઆરી અંત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે.