જૂનાગઢનો ખેડૂત અૉર્ગેનિક રીંગણાં ઉગાડીને લાખો કમાય છે

જૂનાગઢનો ખેડૂત અૉર્ગેનિક રીંગણાં ઉગાડીને  લાખો કમાય છે
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 22 જાન્યુ. 
આજે દેશ અને દુનિયામાં ઓર્ગેનિક વસ્તુઓનું ખૂબ જ મોટું માર્કેટ જોવા મળે છે અને આવી ઓર્ગેનિક વસ્તુઓનું ખેડૂતો ઉત્પાદન કરી લાખોની કમાણી કરી રહ્યા છે, ખાલી ઉત્પાદન કરવા પૂરતું જ નહિ પરંતુ કંપની જોડે કોન્ટ્રાકટ કરીને અગાઉથી જ આવક ફિક્સ કરી લે છે.  આવો જ એક ખેડૂત પરિવાર જૂનાગઢ જિલ્લાના વડાલ ગામ ખાતે જોવા મળે છે જે ઓર્ગેનિક રીંગણાનું ઉત્પાદન કરી વર્ષે લાખો નું વળતર મેળવે છે . 
વાત છે વડાલમાં રહેતા અશ્વિનભાઈ કોઠીયાની કે જેમણે પોતાની પાસે રહેલી છ વીઘા જમીનમાં ઓર્ગેનિક રીંગણાનું વાવેતર કર્યું છે કોઈપણ પ્રકારની પેસ્ટીસાઈડ દવાઓનો ઉપયોગ કર્યા વગર મબલખ રીંગણાનું ઉત્પાદન કરી રહ્યા છે. 
અશ્વિનભાઈ કોઠીયાએ પોતાની કોઠાસૂઝથી લસણ આદું, મરચાં, ગૌમૂત્ર જેવી વસ્તુઓનું મિશ્રણ કરીને દવા બનાવે છે અને આ જ દવા તેઓ પોતાના ખેતરમાં છંટકાવ કરે છે.
 પેસ્ટીસાઇડ દવાઓથી ખેતરને નુકસાન થાય છે અને તેમાંથી ઉત્પન્ન થયેલા અનાજને ખાવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે એટલે અશ્વિનભાઈ કોઠીયાએ પોતાના છ વીઘા ખેતરમાં પેસ્ટીસાઇડ દવાનો ઉપયોગ કર્યા વગર માત્ર પ્રથમ વખત જ રીંગણાનુ વાવેતર કરીને મબલખ ઉત્પાદન મેળવી પોતાના બંને દીકરાઓને પણ ખેતીમાં કામ કરવા લગાવી દીધા છે.
હાલ જમાનો ઓર્ગેનિક શાકભાજીનો છે અને આથી જ ધીરે ધીરે ખેડૂતો આ તરફ વળી રહ્યા છે. અશ્વિનભાઈને ઓર્ગેનિક ખેતીથી રીંગણાંનો ભાવ પ્રતિ કિલો 15 રૂપિયા મળી રહ્યો છે.  
દેશી દવાઓ તૈયાર કરીને ઉત્પાદન કરેલા રીંગણા વેચવા માટે કંપની સાથે કરાર કરી લીધો છે આ કંપની દેશ અને વિદેશમાં રીંગણાનું વેચાણ કરે છે અને માત્ર પંદર દિવસમાં જ ત્રણ હજાર કિલોથી પણ વધારે રીંગણાનો ઉતારો આવી ચૂક્યો છે અને તેની નિકાસ પણ થઈ ગઈ છે. હજુ પણ ચાર મહિના ખૂબ માગ રહેશે. પરંતુ રીંગણાની માગ આમ તો બારે માસ રહે છે. 
આમ પોતાની કોઠાસૂઝ અને આવડતને કારણે અશ્વિનભાઈ કોઠીયા ઓર્ગેનિક ઉત્પાદન કરી મોટી કમાણી કરી રહ્યા છે અને તેઓ પોતાના બંને પુત્રોને પણ ઓર્ગેનિક ખેતી કરવાનું શીખવાડી રહ્યા છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer