એશિયામાં એલએનજીના ભાવ વિક્રમ સ્તરે પહોંચ્યા

એશિયામાં એલએનજીના ભાવ વિક્રમ સ્તરે પહોંચ્યા
નવી દિલ્હી, તા. 22 જાન્યુ.
એશિયાના દેશોમાં એલએનજી (લિક્વિફાઈડ નેચરલ ગૅસ - એલએનજી) ફેબ્રુઆરી ડિલિવરીના હાજરભાવ વિક્રમ સપાટીએ પહોંચી ગયા છે. જપાન, ચીન અને દક્ષિણ કોરિયામાં શિયાળો આકરો નીવડતાં એલએનજીની માગ વધી ગઈ છે.
એલએનજીના હાજર ભાવ પર જપાન, કોરિયા અને ચીનની માગનો ખૂબ પ્રભાવ પડે છે. આ દેશોમાં આ વર્ષે શિયાળો ખૂબ ઠંડો હોવાથી ગરમી માટે એલએનજીની માગ વધુ રહે છે. જપાનની કંપનીઓની અણધારી લેવાલીથી ભાવ વધી રહ્યા છે, એમ ડેલોઈટના પાર્ટનર દેબાશિષ મિશ્રાએ જણાવ્યું હતું.
ફેબ્રુઆરી ડિલિવરી એલએનજીના હાજર ભાવ ગત સપ્તાહે મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) દીઠ 32 ડૉલર સુધી ઊંચકાઈ ગયા હતા. આટલા ઊંચા ભાવ અગાઉ કદી જોવાયા નથી. વાસ્તવમાં ગયા ડિસેમ્બરમાં જ એલએનજીના ભાવ વધવા શરૂ થઈને 12 ડૉલર થઈ ગયા હતા.
ગયા વર્ષના મે મહિનામાં માલભરાવાને કારણે જપાન-કોરિયા માટેના એલએનજીના ભાવે બે ડૉલરના તળિયું શોધી લીધું ત્યારથી બજારમાં તેજીનું વાતાવરણ રહ્યું છે. જાન્યુઆરીમાં ભાવ ગયા વર્ષના તળિયાથી સોળ ગણા વધીને 32.50 ડૉલરે પહોંચી ગયા છે,' એમ એસઍન્ડપી ગ્લોબલ પ્લેટ્સનો અહેવાલ જણાવે છે.
આ અભૂતપૂર્વ ભાવવધારો કોરોનાને કારણે દબાઈ ગયેલી માગમાં આવેલો ઉછાળો અને અપૂરતી પરિવહન સવલતોને આભારી છે.
અત્યંત નીચા ભાવને કારણે અમેરિકાની એલએનજી કંપનીઓએ ગૅસ વેચવાનું બંધ કરવાથી ઉનાળામાં સતત બજાર સુધરતી રહી હતી. ત્યાર બાદ ઠંડી શરૂ થતાં એશિયાઈ દેશોની જોરદાર માગ નીકળી અને સાથોસાથ પુરવઠામાં અવરોધો આવ્યા. 2021ના પ્રારંભથી માલની અછત, પરિવહનની સમસ્યાઓ, કમરતોડ જહાજી નૂરભાડાં અને શિયાળામાં તીવ્ર ઠંડીને કારણે ભાવવધારાને ટેકો મળી ગયો છે, એમ તે અહેવાલ જણાવે છે.
જપાન-કોરિયાની માગ એવી જોરદાર છે કે ગૅસ કંપનીઓએ પાકિસ્તાન એલએનજીને કોન્ટ્રાકટ હેઠળ ફેબ્રુઆરીમાં પુરવઠો આપવાનો પણ ઈનકાર કરી દીધો છે. આ કોન્ટ્રાકટ ડિસેમ્બર, 2020માં અપાયા હતા, પરંતુ બે જ સપ્તાહમાં સપ્લાયરોએ નક્કી થયા મુજબ ગૅસ પૂરો પાડવાની અશક્તિ દર્શાવી હતી.
ઇન્સ્ટિટયૂટ અૉફ એનર્જી ઈકોનોમિક્સ ઍન્ડ ફાઈનાન્સિયલ એનાલિસ્ટિકની એક નોંધ અનુસાર વિયેટનામ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતની ઉભરતી બજારોને વીજળી ઉત્પાદન માટેનો ગૅસ ખરીદવામાં ઊંચા અને અસ્થિર ભાવનો સામનો કરવો પડશે. આ દેશોમાં 50 અબજ ડૉલરના ખર્ચે સ્થપાયેલાં વીજળીમથકોની કામગીરી એલએનજીના બિનપોસાણક્ષમ ભાવને લીધે ખોરવાઈ જવાનું જોખમ છે.
એક અંદાજ અનુસાર વિશ્વમાં નેચરલ ગૅસના કુલ વપરાશનો 11-12 ટકા હિસ્સો ચીન-જપાન-કોરિયામાં વપરાતા હાજર એલએનજીનો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer