વેપાર-ઉદ્યોગના પ્રશ્નો માટે ચેમ્બરોની સંકલન સમિતિ બનશે : મુખ્ય પ્રધાન

વેપાર-ઉદ્યોગના પ્રશ્નો માટે ચેમ્બરોની સંકલન સમિતિ બનશે : મુખ્ય પ્રધાન
રાજ્યની ચેમ્બરો સાથેની બેઠકમાં વિજય રૂપાણીની જાહેરાત 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 જાન્યુ. 
વેપાર-ઉદ્યોગના પ્રશ્નો માટે રાજ્ય સરકાર પ્રાદેશિક ચેમ્બરોની સંકલન સમિતિની રચના કરવામાં આવશે. સમિતિની એક બેઠક દર બે મહિને નાણાપ્રધાન નીતિન પટેલ સાથે અને ત્રણ મહિને મુખ્ય પ્રધાન સાથે બેઠક યોજવામાં આવશે. આ બેઠકોમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે એવી જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ ખાતે કરી હતી. 
તેમણે રાજકોટ ચેમ્બર યોજીત ખાસ કાર્યક્રમમાં ગુજરાત ચેમ્બર, ફેડરેશન ઓફ સૌ-કચ્છ ચેમ્બર તથા વિવિધ એસોસીએશનોની સંયુક્ત વિચાર વિમર્શ બેઠકમાં આમ કહ્યું હતુ. મુખ્ય પ્રધાનએ કહ્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગકારોનું સ્થાપના ખર્ચ નીચું લાવવાની વિચારણા કરી રહી છે. એ માટે બહુમાળી મકાનો બનાવશે. જીઆઇડીસીના અનેક પ્રશ્નો સરકારે તાજેતરમાં રૂા. 450 કરાડ ફાળવીને હલ કરી દીધાં છે. નવી જીઆઇડીસીઓ પણ આવશે. ચીનની જેમ મેડ ઇન ગુજરાત પ્રોડક્ટને પણ પ્રાધાન્ય આપવા તેમણે કહ્યું હતુ.  રાજ્ય સરકારે જાહેર કરેલી તાજી નીતિઓનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. સરકાર ઇમાનદારી, પારદર્શકતા, નિર્ણાયકતા અને સંવેદનશીલતા જેવા પાયા પર કામ કરી રહી હોવાનું પણ જણાવ્યું હતુ. 
રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવે કહ્યું કે, કોરોનાના આરંભે જૂજ લોકો પીપીઇ કિટ બનાવતા હતા. અત્યારે ભારત દુનિયામાં સૌથી વધારે કિટ બનાવતો બીજો દેશ બન્યો છે. જે આત્મનિર્ભરતાની તાકાત છે. એફડીઆઇ લાવવામાં ગુજરાત મોખરે છે. ચેમ્બર ઉદ્યોગોને હંમેશા મદદરુપ થઇ છે અને થતી રહેશે. ઉદ્યોગોના પ્રશ્નો હોય કે વેપારીના તમામને સરકાર સુધી પહોંચાડવામાં આવશે. 
વૈષ્ણવે કહ્યું કે, ગુજરાતની ઔદ્યોગિક નીતિમાં નાના મોટાં ફેરફારો જરુરી છે. તે બદલાવ માટે મુખ્ય પ્રધાનને રજૂઆત કરી છે. સોલાર પોલીસીમાં જમીન એનએ કરવાને બદલે બિન ખેતીનો આધાર લઇને પ્રક્રિયા સરળ બનાવવી જોઇએ. એ ઉપરાંત એરોસ્પેસ અને ડિફેન્સ પોલીસીમાં ફેરફારો, ઔદ્યોગિક સુચીત સોસાયટીને ફી લઇને નિયમિત કરવી, પાપડમાં 18 ટકાને બદલે ઝીરો ટકા જીએસટી લેવા રજઆત થઇ છે. એ જ રીતે ઇમિટેશનની એક્સેસરીમાં 18 ટકાને બદલે 3 ટકા જીએસટી માટે કહેવાયું હતુ. 
રાજકોટ ચેમ્બર તથા ગુજરાત ચેમ્બરને વ્યાપ વધારવા માટે ટોકનદરે જમીન ફાળવીને ગ્રાન્ટ આપવી, રાજકોટ અમદાવાદ 6 લેન માટે કુવાડવા જીઆઇડીસીના જમીન ધારકોને કપાત વળતર, ખીરસરા જીઆઇડીસીમાં જમીન લેવલ કરવા તથા સોલિડ વેસ્ટના નિકાલ માટે જમીન ફાળવવા માટે કહેવાયું છે. વી.પી. વૈષ્ણવે એમ પણ કહ્યું હતુ કે, કોરોનાનું સંક્રમણ સાવ ઘટી ગયું છે ત્યારે ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ નાબૂદ કરવો જોઇએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer