કલમ 138 સુધારવા કાપડ ઉદ્યોગની માગ

કલમ 138 સુધારવા કાપડ ઉદ્યોગની માગ
ચેક બાઉન્સિંગના કેસને લાગુ થતી
પરાશર દવે 
અમદાવાદ, તા. 22 જાન્યુ.
બજેટ 2021ના રજૂ કરવાના દિવસો નજીક આવતા જાય છે તેમ અનેક વેપાર ઉદ્યોગ સંગઠનો પોતપોતાની અપેક્ષાઓ રજૂ કરતા જાય છે. અમદાવાદના વર્ષો જૂના કાપડ ઉદ્યોગના સંગઠન મસ્કતી કાપડ માર્કેટ મહાજન લોકડાઉનમાંથી ઉગર્યા બાદ હજુ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યુ છે. જેમાં સરકાર પાસેથી આગામી બજેટમાં કેવા પ્રકારની રાહતો આવી જોઇએ તે અંગે કેટલાક સુચનો કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ મોટી સમસ્યા પેમેન્ટ અંગેની છે. ચેક નકારાય તેવા કિસ્સામાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138ની કેટલીક જોગવાઇમાં ફેરફાર કરીને વધુ કડક બનાવવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.  
મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યુ હતુ કે કોઇપણ પેમેન્ટના ચેક પરત થાય ત્યારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે જેમાં અનેક વર્ષો વીતી જાય છે. જ્યારે કોર્ટનું કામકાજ હજુ નિયમિત થયું નથી ત્યારે આ કેસનો નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ. આ સમસ્યા કાપડ ઉદ્યોગ માથાનો દુખાવો બની ગઇ છે. જોકે તેમણે કહ્યુ કે અમારી લવાદ કમિટીના આર્બિટ્રેશનના નિર્ણયને પણ મહત્વ આપવુ જોઇએ. અલબત્ત કહીએ તો તેના નિર્ણયને કાયદેસર ગણવા જોઇએ જેથી આવા કેસ કોર્ટમાં જતા અટકે અને વેપારીઓના પેમેન્ટ જેમ બને તેમ જલ્દી છૂટા થાય. 
કાપડ બજારનું કામકાજ સંપૂર્ણપણે ઉધારી પર ચાલે છે. આ કિસ્સામાં ચેક આપે ત્યારે જ આખુ પેમેન્ટ આપી દેવું જોઇએ. આ કિસ્સામાં પીડીસી ચેક આપે ત્યારે બીલ ટુ બીલ પેમેન્ટ મળે તેવી જોગવાઇ કરવી જોઇએ. જો પીડીસી ચેક રિટર્ન આવે તો તાત્કાલિક તે નાણાં જમા કરાવવા પડે અને જમા ન થાય તો છ વર્ષની કે 10 વર્ષની કેદની જોગવાઇ કરવી જોઇએ. આમ વેપારીઓને સુરક્ષા પ્રદાન થશે તો સામે સરકારને જીએસટીની આવક પણ મળશે. જીએસટીઆર 1, 2 અને 3 ભરવાની અવધિમાં પણ વધારો કરવો જોઇએ.  
જીએસટીમાં વેપારીની ક્રેડિટ હોય છતાં તેને બીજા નાણાં ભરવા પડે છે તે યોગ્ય નથી. તેમાં હાલમાં જે 1 ટકા ભરવાનો કાયદો બનાવવામાં આવ્યો છે તે યોગ્ય નથી. કારણકે એક ટકાનો કર પહેલા આપવો પડે છે. આ અંગેનો વિરોધ આખા દેશમાં ચાલુ થઇ ગયો છે કારણ કે પાંચ ટકા, 18 ટકા અને 28 ટકા વાળાએ પણ એક ટકો જીએસટી ભરવો પડે છે. તે પ્રોરેટા હોવો જોઇએ. આમ જીએસટી કાઉન્સિલની ટકે શેર ભાજી ટકે ખાજાની નીતિ બદલવી જોઇએ. તેમણે જણાવ્યુ હતુ કે વેપારીઓને હાલના 30 ટકાથી 15ના સ્લેબમાં લઇ જવાથી વધુને વેપારીઓ આવકવેરો ભરતા થઇ જશે. આમ અલગ અલગ કરની નીતિ દૂર કરવી જોઇએ. વાહન વ્યવહારમાં પોઇન્ટ વધારવા જોઇએ. હાલમાં ટ્રકમાં શુ જઇ રહ્યુ છે તેની કોઇને ખબર જ હોતી નથી પરિણામે ગેરરિતી થવાની શક્યતા રહે છે. 
તેમણે દાવો કરતા જણાવ્યુ હતુ કે ડિસેમ્બરમાં જીએસટીની આવક રૂ. 1 લાખ 15 કરોડની હતી જે આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે. કેમ કે છેલ્લા ત્યારથી પાંચ મહિનાનું ઉત્પાદન નહીવત રહ્યું હતુ.
કાચા માલના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન અને ખુલ્યા પછી પછી બે મહિના સુધી બજારો સુસ્ત રહ્યા હતા. ડિસેમ્બર-20માં જીએસટીની આવક વધવાનુ કારણ અનેક લોકોના ગોડાઉનોમાં માલ પડી રહ્યો હતો જે એકાએક માગ આવતા વપરાઇ ગયો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer