ફાયર એનઓસીની ફરજિયાત

જોગવાઇનો નિર્ણય મોકૂફ રાખવા માગ ઉદ્યોગો પર ભારે આર્થિક બોજ આવશે : ભાવનગર ચેમ્બર 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.27 જાન્યુ. 
રાજ્યની તમામ ફેક્ટરીઓ માટે ગુજરાત ફાયર પ્રિવેન્શન ઍન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ 2013 અને નેશન બિલ્ડિંગ કોડ અૉફ ઇન્ડિયા 2016ના નિયમ પ્રમાણે કાર્યવાહી કરીને ફાયર એનઓસી મેળવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.  જોકે, સરકારનો આ નિયમના અમલીકરણનો નિર્ણય ઉતાવળિયો છે અને ઉદ્યોગકારોને મોટો આર્થિક બોજો લાગવાનો છે જે ઉત્પાદકો ખમી શકે એમ નહીં હોવાની રજૂઆત મુખ્ય પ્રધાન સમક્ષ ભાવનગર જિલ્લા ચેમ્બર અૉફ કૉમર્સ દ્વારા કરવામાં આવી છે. 
ચેમ્બરે કહ્યું છે કે, 500 સ્ક્વેર મીટરકે નાના ફ્લોરવાળી ફેક્ટરીઓને નેશનલ બિલ્ડિંગ કોડ ભાગ 4ની જોગવાઇઓ લાગુ પડતી નથી. એ કારણે ટેબલ 7ની જોગવાઇ પણ લાગુ ન પડે. વળી, ચીફ ફાયર અૉફિસર દ્વારા એનઓસીની અરજી સાથે બિનજરૂરી દસ્તાવેજોની ગેરવાજબી માગણી કરવામાં આવી રહી છે. તે અટકાવવું જરૂરી છે. 
કોર્પોરેશન ધરાવતા તમામ શહેરોમાં ફાયર પ્રિવેન્શન એક્ટની કલમ 8ની જોગવાઇ પ્રમાણે પૂરતા ફાયર સ્ટેશનો પૂરતા સ્ટાફ સાથે ઊભા કરવા પણ કહેવામાં આવ્યું છે. શહેરી વિકાસ, શહેરી વિકાસ એરિયા મંડળો તથા મોટાં ભાગની પાલિકાઓ પાસે પૂરતા ફાયર સ્ટેશન નથી. એ સગવડ ઊભી કરવી જરૂરી છે. ઉપરાંત એવી ઘણી નગરપાલિકાઓ પણ છે જ્યાં ફાયર સ્ટેશનો જ નથી. આવા સ્ટેશનો તત્કાળ બનાવવા પડે. કોર્પોરેશન સિવાયના વિસ્તાર માટે ફાયર એનઓસી લેવા માટે રિજીયોનલ અૉફિસ સુધી ધક્કા ન ખાવા પડે તે માટે દરેક જિલ્લામાં એક ડિવિઝનલ ફાયર અૉફિસરની નિમણૂક આવશ્યક છે. લાઈસન્સ એજન્સીઓ પણ વધુ સંખ્યામાં ઊભી કરવાની આવશ્યકતા છે.  ફાયર એનઓસી બહુ ટૂંકાગાળાનું આપવામાં આવે છે. તેના સ્થાને પાંચ વર્ષનું આપવું જોઇએ.આમ જ્યાં સુધી પૂરતી સુવિધા ઊભી ન થાય ત્યાં સુધી સરકારે નવી જોગવાઇઓનો અમલ ટાળવો જરૂરી બની ગયો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer